Loading...

Dang: નોકરી છોડીને કળાની રાહે આત્મનિર્ભરતા, પિપલદહાડની 'શ્રી ગણેશ સખી મંડળ'ની બહેનો સ્વરોજગારીનું પ્રેરક ઉદાહરણ બની

કેનવાસ પર આદિવાસી સંસ્કૃતિનું ચિત્રણ: પેઇન્ટિંગ દ્વારા ઊભું કર્યો નાનો પરંતુ મજબૂત ઉદ્યોગ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 01 Mar 2026 10:02 PM (IST)Updated: Sun 01 Mar 2026 10:03 PM (IST)
dang-news-rural-women-entrepreneurs-mba-graduate-turns-tribal-art-into-business-700845
HIGHLIGHTS
  • શ્રી ગણેશ સખી મંડળને રૂ.15 હજારનું રિવોલ્વિંગ ફંડ સહાયરૂપ બન્યું
  • મિશન મંગલમ યોજનાથી નોકરીમાંથી સ્વરોજગાર તરફ સફળ પરિવર્તન

Dang: 'સશક્ત મહિલા એટલે સશક્ત સમાજ' આ વિચારને સાકાર કરતી અનેક કહાનીઓ આજે ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહી છે. રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણ માટેની મિશન મંગલમ યોજના એવી જ એક સશક્ત માધ્યમ બની છે, જેના થકી બહેનો પોતાની કુશળતા અને આવડતને આર્થિક સ્વાવલંબન સાથે જોડે છે. ડાંગ જિલ્લાના પિપલદહાડ ગામની શ્રી ગણેશ સખી મંડળ તેની જીવંત સાબિતી બની રહ્યું છે

પિપલદહાડ ગામના રહેવાસી અને 32 વર્ષીય સુરેખાબેન બુધુભાઈ કામડી અગાઉ MBAનો અભ્યાસ પૂર્ણ કરીને પ્રોગ્રામ કોર્ડિનેટર તરીકે નોકરી કરતા હતા અને દર મહિને આશરે રૂ.30 હજારની આવક મેળવી રહ્યા હતા. જોકે, વર્ષ 2025માં તેમણે નોકરીનો માર્ગ છોડીને પોતાની અંદરની સર્જનાત્મકતાને વ્યવસાયનું સ્વરૂપ આપવાનો સાહસિક નિર્ણય લીધો.

સુરેખાબેને કેનવાસ પર આદિવાસી સંસ્કૃતિ, જીવનશૈલી, પરંપરાગત વેશભૂષા અને કુદરત સાથેના સંબંધને આધારિત પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. તેમની આ અનોખી કલાએ ટૂંકા સમયમાં ઓળખ મેળવી. બાદમાં આજુબાજુના ગામોની 10 બહેનોને સાથે લઈને તેમણે શ્રી ગણેશ સખી મંડળના માધ્યમથી નાનકડો ઉદ્યોગ શરૂ કર્યો.

મિશન મંગલમ યોજના અંતર્ગત શ્રી ગણેશ સખી મંડળને રૂ.15 હજારનું રિવોલ્વિંગ ફંડ મળ્યું, જેના આધારે પેઇન્ટિંગ માટે જરૂરી સામગ્રી, કેનવાસ અને રંગોની સુવિધા ઉપલબ્ધ બની. આ સહાયથી બહેનોની ઉત્પાદન ક્ષમતા વધીને તેમની કલાને બજાર સુધી પહોંચાડવાનો માર્ગ ખુલ્યો.

હાલમાં ડાંગ દરબારમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને મેળાઓમાં શ્રી ગણેશ સખી મંડળની બહેનો પોતાના હાથથી બનાવેલી પેઇન્ટિંગ્સનું સ્ટોલ મારફતે વેચાણ કરી રહી છે. આદિવાસી જીવનની જીવંત અભિવ્યક્તિ કરતી આ પેઇન્ટિંગ્સને મુલાકાતીઓ તરફથી ખાસ પ્રતિસાદ મળી રહ્યો છે.

સુરેખાબેને જણાવ્યું કે, અગાઉ નોકરીમાં નિશ્ચિત આવક હતી, પરંતુ આજે પોતાની કળા પરથી આવક મેળવવાનો આત્મસંતોષ ઘણો મોટો છે. સખી મંડળ અને સરકારની સહાયથી હવે અમે આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, શ્રી ગણેશ સખી મંડળે ટૂંકા સમયમાં સ્વરોજગારીનું એવું મજબૂત મોડેલ ઊભું કર્યું છે, જે શિક્ષિત યુવતીઓ તેમજ ગ્રામ્ય બહેનો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. નોકરી છોડીને સ્વરોજગાર તરફ વળવાની આ યાત્રા આજે આત્મનિર્ભરતા, સર્જનાત્મકતા અને સામૂહિક પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ બની છે.

આમ, ડાંગ જિલ્લાના પિપલદહાડ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોએ કળા, સંસ્કૃતિ અને સંઘબદ્ધ પ્રયત્નોથી આત્મસન્માન અને સ્વાવલંબનની નવી દિશા ઊભી કરી છે.