Child Beggary Free Gujarat: રાજ્યના અનેક શહેરો અને વિસ્તારોમાં નાની ઉંમરે ભીખ મારી જીવન નિરવાહ કરતાં બાળકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી મુક્તિ અપાવવા અને શિક્ષણના માર્ગે જીવનને ઉન્નત કરવા માટે 1લી મે એટલે કે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસથી આ દિશામાં વ્યાપક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1લી મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી જ રાજ્યવ્યાપી બાળ ભિક્ષા મુક્ત ગુજરાત માટે અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે.
આ અભિયાનનો ઉદ્દેશ ફક્ત સહાનુભૂમિત પૂરતો મર્યાદિત નથી પણ સમાજમાં અમૂલ પરિવર્તન લાવી ભિક્ષાવૃત્તિમાં જે બાળકો સામેલ છે તેમના શિક્ષણ તથા પુનર્વસન પ્રત્યે વિશેષ ધ્યાન આપવાનો છે.આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં, પરંતુ ક્લાસરૂમ મળવા જોઇએ.
ગુજરાતના 66માં સ્થાપના દિવસે આ અભિયન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે તેમના 20-30 સેકંડના વિડિયો મેસેજ શેર કરાશે. આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાનઆ પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે.
સંસ્થાના સંસ્થાપક ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે. અમે થોડાં બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણાં બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે. આ વર્ષો દરમિયાન અમે એવાં બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભિખ માગતા હતાં, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યાં છે. આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે.
બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે. બાળક ભિક્ષા મુક્ત ગુજરાત – અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆથ કરવા માગીએ છીએ, જેથી કોઇપણ બાળક ભિખ માગવા માટે મજબૂર ના થાય. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર આ પ્રયાસમાં યોગદાન આપે, ભલે તે શિક્ષણ માટે સહયોગ આપે, જાગૃકતા ફેલાવે કે પછી ભિક્ષાવૃત્તિને રોકવા પ્રયાસ કરે. અમારો ઉદ્દેશ્ય ભિક્ષા થી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે. અત્યાર સુધી અમને જે પણ સહયોગ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે.
શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011થી અંબાજીમાં કાર્યરત છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ પ્રદાન કર્યું છે. એક નાના પ્રયાસરૂપે શરૂ થયેલી આ પહેલ હવે એક મજબૂત અને સુઆયોજિત વ્યવસ્થામાં વિકસિત થઇ છે, જે બાળકોમાં આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓને વિકસિત કરે છે.
