Gujarat Foundation Day: ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પાઠવી હાર્દિક શુભેચ્છા; ‘ગરવી ગુજરાત’ના સામર્થ્યને કર્યા નમન

ગુજરાત સ્થાપના પર્વ: ગૃહમંત્રી અમિત શાહે રાજ્યની સુશાસન અને સમૃદ્ધિની વિકાસયાત્રાને બિરદાવી

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 30 Apr 2026 11:25 PM (IST)Updated: Thu, 30 Apr 2026 11:25 PM (IST)
hm-amit-shah-extends-heartfelt-greetings-on-gujarat-foundation-day-salutes-the-spirit-of-garvi-gujarat

66th Gujarat Foundation Day: કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે સમગ્ર ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. ગૃહમંત્રી અમિત શાહે માત્ર રાજ્યની સ્થાપનાને નહીં, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની અવિરત મહેનત, સંઘર્ષ અને સંકલ્પને પણ નમન કરતા કહ્યું હતું કે ગુજરાતની ગૌરવગાથા માત્ર ઈતિહાસના પાનાંઓમાં જ નહીં, પરંતુ વિકાસના દરેક નવા પડાવમાં જીવંત બની રહી છે. “ગરવી ગુજરાત” એ માત્ર શબ્દ નથી, પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક છે.

આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ આ વિકાસ યાત્રામાં ગુજરાતે છેલ્લા 30 વર્ષોમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. આ વિકાસયાત્રામાં ભાજપ સરકારના સુશાસનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. પારદર્શક શાસન, ઝડપી નિર્ણયો, અને જનકલ્યાણ કેન્દ્રિત નીતિઓ દ્વારા રાજ્યમાં વિશ્વાસ અને વિકાસનું વાતાવરણ સર્જાયું છે. રસ્તાઓ, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલો વ્યાપક વિકાસ ગુજરાતને દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર સુશાસનની આ પ્રણાલિકા સુપેરે આગળ ધપાવી રહી છે. નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવવા ભાજપા સરકાર હંમેશા પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઉદ્યોગ, કૃષિથી લઈને શિક્ષણ, અને ડિજિટલ ઈનોવેશનથી લઈને ગરીબ કલ્યાણ સુધી—ગુજરાત આજે સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું છેલ્લા ઘણા દાયકાઓમાં ગુજરાતના વિકાસની ગાથા લખવામાં ગુજરાતવાસીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ખેડૂત હોય કે ઉદ્યોગપતિ, યુવા હોય કે મહિલા – દરેકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપીને રાજ્યને વિકાસના શિખરે પહોંચાડ્યું છે. ગુજરાતની ઓળખ આજે માત્ર વેપાર-ઉદ્યોગ સુધી સીમિત નથી, પરંતુ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે પણ રાજ્ય આગળ વધી રહ્યું છે. વિશ્વસ્તરે ગુજરાતની ઓળખ એક પ્રગતિશીલ, સશક્ત અને આત્મનિર્ભર રાજ્ય તરીકે ઉભરી છે. દરેક ગામમાં વિકાસનું કિરણ અને દરેક નાગરિકના ચહેરા પર વિશ્વાસનો ઝળહળાટ—આ છે આપણા ગુજરાતની સાચી ઓળખ.

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ ગૌરવવંતા દિવસે આપણે સૌ મળીને “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના મંત્ર સાથે નવા ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઈએ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પમાં સહયોગી બનીએ.