Dahod: દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ઘર આંગણે રમતા-રમતા બે બાળકો ખુલ્લા કૂવામાં ખાબક્યા હતા. આ બન્ને ભાઈ-બહેનના ડૂબી જવાથી મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કૂવામાં સંતાનોની લાશો તરતી જોઈને પરિવારજનોનું હૈયાફાટ આક્રંદ
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઝરી બુઝર્ગ ગામમાં રહેતા રોનક (5) અને આરાધના (3) ગઈકાલે સાંજે પોતાના ઘર આંગણે રમી રહ્યા હતા. આ દરમિયાન ઘરની નજીક આવેલ ખુલ્લા કૂવામાં બન્ને ભાઈ બહેન અકસ્માતે ખાબક્યા હતા.
થોડીવાર બાદ ઘર આંગણે રમી રહેલા બાળકો ના દેખાતા પરિવારજનો ઉપરાંત ગ્રામજનોએ પણ તેમની શોધખોળ શરૂ કરી હતી. આખા ગામમાં તપાસ કરવા છતાં બાળકોની ક્યાંય ભાળ નહતી મળી. આ દરમિયાન ઘર નજીક ખુલ્લા કૂવામાં તપાસ કરતાં બાળકોની લાશ તરતી દેખાતા પરિવારજનોએ હૈયાફાટ આક્રંદ શરૂ કરી દેતા વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે મશીનની મદદથી કૂવાનું પાણી ઉલેચીને બન્ને બાળકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં રમતા-રમતા બન્ને બાળકો અકસ્માતે કૂવામાં ખાબકીને ડૂબી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટનાના પગલે ગામલોકોએ તાત્કાલિક તમામ જોખમી કૂવાઓ પર સુરક્ષા કવચ બાંધવા તેમજ બેદરકારી બદલ જવાબદાર લોકો સામે પગલાં લેવા માંગ ઉઠાવી છે.
