Dahod News: દાહોદ જિલ્લામાં વીજ મીટરના સીલ તોડી તેમાં ગેરકાયદેસર ચેડાં કરી કરોડો રૂપિયાની વીજ ચોરી કરવામાં આવી હોવાની મોટી ગેરરીતિ સામે આવી છે. આ સમગ્ર કિસ્સામાં વીજ કંપનીના કેટલાક કર્મચારીઓ તેમજ ખાનગી એજન્સીના અધિકારીઓ સંડોવાયેલા હોવાની આશંકા સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ, લીંમડી, લીમખેડા અને દેવગઢ બારીયા વિસ્તારોમાં વીજ વપરાશ ઓછો દર્શાવવામાં આવતો હોવાની સતત ફરિયાદો અને બાતમીના આધારે MGVCL દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન વ્યાપક તપાસ અને રેડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 18 ઓગસ્ટ 2025થી 18 નવેમ્બર 2025 દરમિયાન કરાયેલી ચકાસણી દરમિયાન કુલ 33,799 વીજ મીટરોની તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં 1,609 મીટરોના સીલ તૂટેલા હોવાનું બહાર આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. શંકાસ્પદ મીટરોને સીલબંધ કરી MGVCL દાહોદ ડિવિઝનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ મુજબ 888 મીટરોમાં વીજ અવરોધક ઉપકરણ એટલે કે રેઝિસ્ટર લગાવી જાણબૂઝીને વીજ વપરાશ ઓછો બતાવવામાં આવતો હતો. GERC દ્વારા નક્કી કરાયેલા ALHAF ફોર્મ્યુલા મુજબ કરાયેલી ગણતરી અનુસાર માત્ર આ મીટરોને કારણે જ અંદાજે રૂ. 10.71 કરોડની વીજ ચોરી થયાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત સ્માર્ટ મીટર બદલવાની પ્રક્રિયામાં પણ ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. ઇન્ટેલિસ્માર્ટ એજન્સી દ્વારા બદલવામાં આવેલા 81 મીટરોમાંથી 50 મીટરોની તપાસમાં 38 મીટરોમાં પણ રેઝિસ્ટર લગાવી વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે અંદાજે રૂ. 4.048 કરોડનું વધારાનું નુકસાન થયું છે.
આ તમામ ગેરરીતિઓથી MGVCLને કુલ રૂ. 14.76 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનું અધિકૃત રીતે નોંધાયું છે. DYSP જગદીશ ભંડારીએ જણાવ્યું કે, મોટા ભાગના મીટરોમાં એકસરખી મોડસ ઓપરેન્ડી જોવા મળવી ગંભીર સંકેત આપે છે. હાલ વીજ કંપની દ્વારા ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
