Gujarat Rain-Storm Damage: હવામાન વિભાગની સત્તાવાર આગાહી વચ્ચે ગત મોડી રાત્રે મધ્ય ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ઊભી થયેલી પ્રી-મોન્સૂન સિસ્ટમને પગલે ગત રાત્રે ગુજરાતના વિવિધ વિસ્તારમાં વાવાઝોડું, ભારે પવન અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
કુદરતનો કહેર, જાન અને માલને મોટું નુકસાન
મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદ, ભરૂચ, પંચમહાલ, અંકલેશ્વર, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. આ તોફાની વરસાદ સાથે ભારે વાવાઝોડાએ આ વિસ્તારોને બાનમાં લીધા હતા, અને ભારે જાનમાલનું નુકસાન પહોંચાડ્યું છે. જેમાં જાનહાનિ થયાની માહિતી પણ સામે આવી છે.

દાહોદમાં મહાકાય બોર્ડ પડતા 3 લોકોના મોત
સૌથી હૃદયદ્રાવક ઘટના દાહોદ જિલ્લાના ગરબાડા ચોકડી ખાતે બની હતી. અહીં વાવાઝોડાના કારણે સ્માર્ટ સિટીનું એક મહાકાય સાઇન બોર્ડ ઉડીને રસ્તા પર ફંગોળાયું હતું. આ કાળમુખી દુર્ઘટનામાં બોર્ડ નીચે દબાઈ જવાથી 60 વર્ષીય બાબુભાઈ બારીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બીજી તરફ અન્ય ત્રણ ગંભીર ઇજાગ્રસ્તોમાંથી સારવાર દરમિયાન 55 વર્ષીય શક્કરીયાભાઈ નિનામા અને 54 વર્ષીય હિમસિંગ પરમારે પણ દમ તોડ્યો હતો. હાલ એક 28 વર્ષીય યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતોના પાકને નુકસાન અને રસ્તાઓ ધોવાયા
ભરૂચના હાંસોટમાં 1 ઇંચ અને અંકલેશ્વરમાં 7 mm વરસાદ વરસ્યો હતો. અહીં રસ્તા પર સુકવવા મૂકેલો ડાંગરનો પાક વરસાદમાં પલળી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. પંચમહાલના ગોધરામાં ભારે વરસાદથી આનંદનગરનો કામચલાઉ ડાયવર્ઝન રોડ ધોવાઈ જતા તંત્ર દ્વારા વાહનચાલકોને આઈ.ટી.આઈ. અને શામળાજી કોલેજવાળા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરાઈ છે.

આ ઉપરાંત, છોટાઉદેપુરના સંખેડા પંથકમાં પણ ગામડી-બહાદરપુર માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો, જેને સ્થાનિકોએ ડાયવર્ઝન આપી ચાલુ કર્યો હતો. આ તોફાની વરસાદથી લોકોને ગરમીમાં થોડી રાહત તો મળી છે, પરંતુ વ્યાપક નુકસાનથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
આ પણ વાંચો: વડોદરામાં મધરાત્રે વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેંઘરાજાનું આગમન, ગરમીમાં મળી રાહત
વડોદરા-મહીસાગરમાં વીજ માળખાને નુકસાન
વડોદરા શહેરમાં મધરાતે ફૂંકાયેલા પ્રચંડ પવનના કારણે 45 જેટલા વૃક્ષો અને અનેક વીજપોલ ધરાશાયી થયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં મકાનોના છાપરા પણ ઊડી ગયા હતા. પરંતુ ફાયર વિભાગ અને MGVCL ટીમોએ રાતથી જ કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કર્યો હતો.

બીજી તરફ, મહીસાગર જિલ્લામાં વાવાઝોડાના કારણે 51 વીજપોલ ધરાશાયી થતાં વ્યાપક નુકસાન થયું હતું. વીજ કંપનીને આશરે 4 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે અને હાલ અહીં યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ છે.
