Loading...

વડોદરાથી ઝડપાયો અભણ આરોપી, યુવતીનું ફેક ઇન્સ્ટા ID બનાવી કર્યું વિકૃત કામ

આરોપી અભણ હોવા છતાં મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને યુટ્યુબ પરથી ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની રીત શીખ્યો હતો. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 31 Jan 2026 04:27 PM (IST)Updated: Sat 31 Jan 2026 04:27 PM (IST)
dahod-police-arrest-accused-tried-to-defame-girl-by-creating-fake-insta-id-683046
HIGHLIGHTS
  • સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીને બદનામ કરવાનું કૃત્ય
  • ફેક ઇન્સ્ટાગ્રામ ID બનાવનાર આરોપીની વડોદરાથી ધરપકડ
  • યુટ્યુબ પર વીડિયો જોઈ ફેક આઈડી બનાવતા શીખ્યો આરોપી

Dahod Cyber ​​Crime: સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને વ્યક્તિની ઈજ્જત અને આબરૂને નુકસાન પહોંચાડવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓના ફોટો મોર્ફ કરીને તેના પર અશ્લીલ અને બીભત્સ લખાણ મૂકવાના ગંભીર ગુનાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં આવા બનાવો છાશવારે પ્રકાશમાં આવે છે.

લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગંભીર કેસ

તાજેતરમાં લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર કેસમાં પોલીસે ટેક્નિકલ અને માનવીય સ્રોતોની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. આ ગુનાની તપાસ PI એચ.વી. સીસારા, એચસી વિપુલભાઈ, મંગળાભાઈ અને પીસી અશ્વિનભાઈ વાલસીંગભાઈ તેમજ IT એક્સપર્ટ દશરથભાઈ ભરવાડ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

વડોદરાથી ઝડપાયો ભેજાબાજ આરોપી

તપાસ દરમિયાન પોલીસ ટીમ ટેકનિકલ એનાલિસિસની પાંચમી લેયર સુધી ઊંડાણપૂર્વક તપાસ કરીને ગુનાના મૂળ સુધી પહોંચી હતી. તપાસના આધારે વડોદરામાંથી નારણભાઈ કડવાભાઈ ભુરીયા (રહે. સુથારવાસા) નામના ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો.

જાણો આરોપીની મોડસ ઓપરેન્ડી

પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબૂલાત પણ કરી હતી. આરોપીએ સ્વીકાર્યું કે તેણે ભોગ બનેલી યુવતીના નામે ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના ફોટા પોસ્ટ કર્યા હતા. વધુમાં તેમાં બિભત્સ ભાષાનો ઉપયોગ કરીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યાનું પણ કબૂલ્યું હતું.

અભણ હોવા છતાં આરોપીએ કર્યો કાંડ

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અભણ હોવા છતાં મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને યુટ્યુબ પરથી ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવાની રીત શીખ્યો હતો. હાલમાં પોલીસ ટીમ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આરોપી કોઈ ફેક ID બનાવતી ગેંગ સાથે સંકળાયેલ છે કે નહીં, અગાઉ તેણે કેટલા ખોટા એકાઉન્ટ બનાવી અન્ય લોકોને નિશાન બનાવ્યા છે.

યુટ્યુબ પર વીડિયો જોઈ ફેક આઈડી બનાવતા શીખ્યો 

આરોપી વડોદરામાં મજૂરી કામ કરતો હતો, અને ફુરસદના સમયમાં યુટ્યુબ પર ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાના વીડિયો જોતો હતો. આ જાણકારીના આધારે તેણે ખોટી ઓળખ સાથે ફેક આઈડી બનાવી અન્ય લોકોના ફોટા અપલોડ કરી તેમને બદનામ કરવાનું કૃત્ય આચર્યું હતા.

જનતા જોગ ખાસ અપીલ

આ બનાવ ફરી એકવાર દર્શાવે છે કે ટેકનોલોજીનો ખોટો ઉપયોગ ગંભીર ગુનાઓ તરફ દોરી શકે છે. તેથી સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત પર પોલીસે ભાર મૂક્યો છે. પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિવિધ સેમિનારો યોજાઈ રહ્યા છે. તેમ છતાં આવા કિસ્સા બનતા પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરી રહી છે.