Dahod News: વિકાસના માર્ગે સતત આગળ વધી રહેલા દાહોદ જિલ્લામાં બાળ શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને અસરકારક પહેલ સાકાર થઈ છે. સરકારી પ્રયાસોથી 3થી 6 વર્ષના બાળકોને રમતાં-રમતાં શિક્ષણ આપતો ‘જમશે દાહોદ, રમશે દાહોદ, ભણશે દાહોદ’ પ્રોજેક્ટ આજે સફળતાનો નવો માઈલસ્ટોન સર્જી રહ્યો છે. ગુજરાત સરકારની ‘પા પા પગલી યોજના’ અંતર્ગત અમલમાં મૂકાયેલો આ કાર્યક્રમ આદિવાસી વિસ્તારોમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડીને, બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો તૈયાર કરી રહ્યો છે. આ મોડેલ કેવી રીતે દાહોદના આવતીકાલને ઘડી રહ્યું છે, ચાલો જોઈએ આ રિપોર્ટમાં.
‘જમશે દાહોદ, રમશે દાહોદ, ભણશે દાહોદ’ પ્રોજેક્ટ થકી દાહોદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો હવે માત્ર સંભાળ કેન્દ્ર નહીં, પરંતુ બાળ વિકાસના સશક્ત શિક્ષણ કેન્દ્ર બની રહ્યાં છે. 3થી 6 વર્ષના બાળકોને રમત, ગીત, પ્રવૃત્તિઓ અને દૃશ્ય સામગ્રી દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના પરિણામે બાળકોની શીખવાની ક્ષમતા, સમજશક્તિ અને સર્જનાત્મકતા વિકસતી જઈ રહી છે.
દાહોદના આંગણવાડી કાર્યકર ભાવનાબેન ભાભોરે કહ્યું હતું કે ઉંચા ડ્રોપઆઉટ રેટ ધરાવતા દાહોદ જેવા જિલ્લામાં આ પહેલ બાળકોને શાળાશિક્ષણ માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. વીડિયો, રમતો અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસક્રમથી બાળકોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને શિક્ષણ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ વિકસ્યું છે. સાથે જ આંગણવાડી કાર્યકરોને આપવામાં આવેલી સઘન તાલીમ આ સમગ્ર પ્રોજેક્ટની સફળતાનો આધારસ્તંભ બની છે.
દાહોદ જિલ્લા કાર્યક્રમ અધિકારી ઇરા ચૌહાણ કહ્યું હતું કે દાહોદ જિલ્લાના કુલ 3056 આંગણવાડી કેન્દ્રોમાં સફળતાપૂર્વક અમલમાં મૂકાયેલો આ મોડેલ આજે રાજ્યના અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાસ્રોત બની રહ્યો છે. બાળપણથી જ શિક્ષણનો મજબૂત આધાર ઊભો કરીને આ પહેલ દાહોદના બાળકો માટે ઉજ્જવળ, સશક્ત અને શિક્ષિત ભવિષ્યનો માર્ગ મોકળો કરી રહી છે.
