Loading...

Dahod: મધ્ય પ્રદેશથી આઈસર ટેમ્પોમાં ચોરખાનું બનાવી ભાવનગર લઈ જવાતો રૂ. 38 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

મધ્ય પ્રદેશ-ગુજરાતને જોડતી ખાંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસનું ઑપરેશન

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 16 Jan 2026 06:09 PM (IST)Updated: Fri 16 Jan 2026 06:09 PM (IST)
dahod-news-rs-38-lakh-foreign-liquor-seized-from-khangela-check-post-675130
HIGHLIGHTS
  • પોલીસે ટેમ્પો ચાલકની ધરપકડ કરી રૂ. 53.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

Dahod: દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાસ કરવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશ અને ગુજરાતને જોડતી ખાંગેલા ચેકપોસ્ટ પર કતવારા પોલીસે શંકાસ્પદ આઇસર ટેમ્પોને અટકાવી તપાસ કરતાં તેમાં ચોરખાનું બનાવી દારૂ ભરેલો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ રૂ. 38 લાખ 24 હજાર કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતના ભાવનગર સુધી આ દારૂનો જથ્થો પહોંચાડવાનો હતો. વાહન ચેકિંગ દરમિયાન ટેમ્પોની અંદર સામાન્ય દેખાતી રચનામાં ફેરફાર નજરે પડતાં પોલીસે બારીકીથી તપાસ હાથ ધરી.

તપાસમાં ટેમ્પોના તળિયા અને સાઇડ પેનલમાં ખાસ રીતે બનાવેલ ચોરખાનું મળી આવ્યું, જેમાં વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવી હતી. આ રીતે ચોરખાનું બનાવી દારૂ પહોંચાડવાની નવી યુક્તિનો પોલીસે પર્દાફાસ કર્યો છે.

પોલીસે ઘટનાસ્થળેથી ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. પૂછપરછમાં દારૂ મધ્યપ્રદેશથી લાવી ભાવનગર પહોંચાડવાનો હોવાની કબૂલાત સામે આવી છે. પોલીસે દારૂ સાથે ટેમ્પો સહિત કુલ રૂ. 53 લાખ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપી ઝડપાયો છે, જ્યારે અન્ય સંડોવાયેલા તત્વોની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કતવારા પોલીસે જણાવ્યું કે દારૂ પ્રતિબંધિત રાજ્યમાં ચોરખાના બનાવી દારૂ સપ્લાય કરનાર ગેંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કેસમાં દારૂ ક્યાંથી લોડ થયો, કોને પહોંચાડવાનો હતો અને પાછળ કઈ ગેંગ કાર્યરત છે તે દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે પોલીસની આ કાર્યવાહીથી સ્મગ્લરોમાં ખળભળાટ મચી ગયો છે.