Loading...

Dahod: રણિયાર ગામે પરંપરાગત ચુલનો મેળો યોજાયો, આદિવાસીઓએ ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલીને આસ્થા વ્યક્ત કરી

વર્ષો જૂની આ પરંપરામાં અંગારા પર ચાલવા છતાં કોઈ શ્રદ્ધાળુને ઈજા થતી નથી. લોકો આ કઠિન વિધિ પૂર્ણ કરીને સારા વરસાદ, પરિવારની સુખ-શાંતિ અને ભક્તિનો આનંદ પ્રાપ્ત કરે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 04 Mar 2026 10:16 PM (IST)Updated: Wed 04 Mar 2026 10:16 PM (IST)
dahod-news-raniyars-unique-chul-fair-devotees-walk-barefoot-on-burning-embers-702774
HIGHLIGHTS
  • ઠંડી અને ગરમ ચુલમાં ચાલવાનો રિવાજ
  • સૌ પ્રથમ શ્રદ્ધાળુઓ ઠંડી ચુલ પર ચાલીને મનની શાંતિ મેળવે છે

Dahod: દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના રણિયાર ગામે ધુળેટીના પવિત્ર તહેવાર તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઉજવણીનું રૂપ જોવા મળ્યું, જ્યાં શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન પ્રસિદ્ધ ‘ચુલનો મેળો’ યોજાયો.

રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાતા આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ઉમટી પડ્યા અને ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલીને પોતાની અતૂટ આસ્થા વ્યક્ત કરી.

મેળો પોતાના પૌરાણિક વિધિ અને અદ્વિતીય પરંપરાના કારણે સમગ્ર જિલ્લામાં ખાસ મહત્વ ધરાવે છે. રાજ્યના અન્ય ગામોમાં, જેમ કે ગરબાડાના ગાંગરડી, લીમખેડાના દુધીયા અને રણધિકપુર, પણ ચુલના મેળા યોજાય છે, પરંતુ રણિયારનો મેળો તેની વિશાળતા, શ્રદ્ધા અને ભક્તિભાવના કારણે સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. આ વિધિમાં 'ઠંડી ચુલ' અને 'ગરમ ચુલ' બંને પર ચલવાનો વિધિપ્રકારનો સમાવેશ થાય છે.

મેળાની તૈયારી માટે ગામના દરેક ઘરમાંથી લાકડા અને ઘી એકત્ર કરવામાં આવે છે. મેળા દિન આશરે 5×25 હાથ લાંબી, સવા હાથ પહોળી અને સવા પાંચ હાથ ઊંડી ખાડો ખોદવામાં આવે છે.

સૌ પ્રથમ શ્રદ્ધાળુઓ ઠંડી ચુલ પર ચાલીને મનની શાંતિ મેળવે છે. જે બાદ ખાડામાં સૂકા લાકડાં ભળી અગ્નિ તૈયાર કરવામાં આવે છે. લીમડાની ડાળીઓ અને ઘીની આહુતિથી આ અગ્નિ વધારે પવિત્ર અને ભક્તિમય બની જાય છે.

વિશ્વાસ છે કે, વર્ષો જૂની આ પરંપરામાં અંગારા પર ચાલવા છતાં કોઈ શ્રદ્ધાળુને ઈજા થતી નથી. લોકો આ કઠિન વિધિ પૂર્ણ કરીને સારા વરસાદ, પરિવારની સુખ-શાંતિ અને ભક્તિનો આનંદ પ્રાપ્ત કરે છે. દરેક સમાજના લોકો આ મેળામાં જોડાય છે અને આ પરંપરા આજે પણ જીવંત છે.

રણિયારનો ચુલનો મેળો માત્ર તહેવાર નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, ભક્તિ અને પરંપરાગત આસ્થાનું જીવંત પ્રતીક બની રહ્યો છે, જ્યાં શ્રદ્ધાળુઓ ધગધગતા અંગારાઓ પર ખુલ્લા પગે ચાલીને પોતાની ભક્તિની શ્રેષ્ઠતા દર્શાવે છે. આ પરંપરા દાહોદ જિલ્લાની અનોખી સાંસ્કૃતિક ઓળખ અને ભક્તિભાવનું પ્રતિક બની રહી છે.