Loading...

Dahod News: ફતેપુરામાં સામાન્ય પાર્કિંગ વિવાદમાં આધેડની કરુણ હત્યા, પિતા-પુત્ર જેલના સળિયા પાછળ

મોટરસાયકલ પાર્ક કરવાના મુદ્દે થયેલા વિવાદમાં પિતા-પુત્ર અને એક મહિલા સહિતની ત્રિપુટીએ આધેડ વયના વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Thu 26 Feb 2026 11:11 PM (IST)Updated: Thu 26 Feb 2026 11:11 PM (IST)
dahod-news-middle-aged-man-brutally-murdered-in-a-general-parking-dispute-in-fatehpura-father-son-arrested-699321

Dahod News: દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં આવેલી વ્યસ્ત બલૈયા ચોકડી પાસે સામાન્ય વાહન પાર્કિંગ જેવી ક્ષુલ્લક બાબતે થયેલી તકરારે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. એક ગ્રાહકની મોટરસાયકલ પાર્ક કરવાના મુદ્દે થયેલા વિવાદમાં પિતા-પુત્ર અને એક મહિલા સહિતની ત્રિપુટીએ આધેડ વયના વેપારી પર જીવલેણ હુમલો કર્યો હતો. છાતીના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે મુકેશભાઈ સાગરમલ અગ્રવાલનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.

એક પાર્કિંગ અને ખેલાયો ખૂની ખેલ
બપોરના સમયે બલૈયા ચોકડી ત્રણ રસ્તા નજીક આવેલી બાલાજી ટેલિકોમ નામની દુકાન પાસે એક ગ્રાહકે પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી. આ બાબતે દુકાનધારક અને પડોશીઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો કે ગાળાગાળીથી શરૂ થયેલી વાત હિંસક મારામારી સુધી પહોંચી ગઈ હતી.

લાતો-ઘૂંસા અને પાઈપ વડે હુમલો
આરોપ મુજબ, હુમલાખોર ત્રિપુટીએ એકસંપ થઈને મુકેશભાઈ અગ્રવાલ પર તૂટી પડ્યા હતા. મયુર વિકેશ અગ્રવાલે આવેશમાં આવી મુકેશભાઈને ગળાના ભાગેથી પકડી જમીન પર પટકી દીધા હતા અને છાતીના ભાગે નિર્મમ રીતે લાતો-ઘૂંસાનો વરસાદ કર્યો હતો. પિતા વિકેશ ગિરધારીલાલ અગ્રવાલે પણ પ્લાસ્ટિકની પાઈપ વડે ફટકા માર્યા હતા. ત્યારે રંજનાબેન વિકેશભાઈ અગ્રવાલે પથ્થરમારો કરી અને ઉશ્કેરણીજનક શબ્દો બોલી મામલો વધુ ગંભીર બનાવ્યો હતો.

હોસ્પિટલમાં મૃત જાહેર: પરિવારમાં આક્રંદ
હુમલા બાદ મુકેશભાઈને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક ફતેપુરા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો. તબીબોએ તેમને બ્રોટ ડેડ જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે બે આરોપીઓની ધરપકડ
ઘટનાની જાણ થતા જ ફતેપુરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.મૃતકના સગા સંદીપકુમાર માલીરામ અગ્રવાલે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી મયુર અગ્રવાલ અને તેના પિતા વિકેશ અગ્રવાલની ધરપકડ કરી લીધી છે. હાલમાં રંજનાબેન ફરાર છે, જેમની શોધખોળ ચાલુ છે. લાશને વધુ તપાસ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે.