Dahod : દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડિઝલના પુરવઠાને લઈને ફેલાયેલી એક અફવાએ તંત્ર અને જનતા બંનેને દોડતા કરી દીધા છે. 'પેટ્રોલનો પુરવઠો બંધ થવાનો છે' તેવી પાયાવિહોણી વાત વાયુવેગે ફેલાતા આખા જિલ્લાના વાહનચાલકો પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા. આ અફવાની અસર એટલી પ્રચંડ હતી કે, સામાન્ય રીતે જે જિલ્લામાં આખા દિવસનું 2.50 લાખ લિટર પેટ્રોલ વેચાય છે, ત્યાં સોમવારે માત્ર 6 કલાકમાં જ 5 લાખ લિટર પેટ્રોલનો જથ્થો વેચાઈ ગયો હતો.

વહીવટી તંત્રની અપીલ છતાં પડાપડી
દાહોદ શહેર અને જિલ્લામાં IOCL, HPCL, BPCL અને જીઓ-બીપી જેવી કંપનીઓના અંદાજે 130 જેટલા પેટ્રોલ પંપો આવેલા છે. સોમવારે સાંજે 4 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં સ્થિતિ એટલી હદે વણસી હતી કે, સંચાલકો માટે ભીડને કાબૂમાં લેવી પડકારજનક બની હતી. અફરાતફરી વધતા વહીવટી તંત્રએ લોકોને શાંતિ જાળવવા અને ઈંધણનો પૂરતો સ્ટોક હોવાની ખાતરી આપવી પડી હતી, તેમ છતાં લોકોની લાંબી કતારો યથાવત રહી હતી.

11 જેટલા પંપો પર 'નો સ્ટોક' ના પાટિયા
મંગળવારે સ્થિતિ થોડી થાળે પડી હોવાનું જણાતું હતું, પરંતુ સાંજ પડતા ફરી ભીડ જોવા મળી હતી. સતત વેચાણને કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કુલ 11 જેટલા પેટ્રોલ પંપો પર જથ્થો ખાલી થઈ જતાં 'નો સ્ટોક' ના પાટિયા મારવાની નોબત આવી હતી.
- સંજેલી: 4 પૈકી મોટાભાગના પંપો પર વાહનોનો ભારે ઘસારો રહ્યો.
- ઝાલોદ: હેતલ પંપ પર સવારથી જ સ્ટોક શૂન્ય થઈ ગયો હતો.
- સિંગવડ: પંથકના 3 પંપો બંધ રાખવા પડ્યા હતા.
- ફતેપુરા: 4 માંથી 3 પંપો પર ઈંધણ ખૂટી પડતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.
સપ્લાય ચેઈન કાર્યરત રહેતા રાહત
રાહતની વાત એ છે કે, ઇંધણનો સપ્લાય સંપૂર્ણપણે બંધ થયો નથી. સપ્લાય ચેઈન સતત ચાલુ હોવાથી જે પંપો પર સ્ટોક ખાલી થયો હતો, ત્યાં ગણતરીના કલાકોમાં જ નવા ટેન્કરો પહોંચતા રીફિલિંગ કરી કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી રહી છે કે સ્ટોકની કોઈ અછત નથી, માત્ર અફવાઓને કારણે અસામાન્ય માંગ ઉભી થઈ છે.
