Dahod: લીમખેડામાં વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી રુ.2.56 કરોડની બિનહસાબી રોકડ ઝડપાઈ: આંગડિયા પેઢીનું કનેક્શન હોવાનો ખુલાસો

દાહોદના લીમખેડામાં આવેલા ધાનપુર ચાર રસ્તા પર વાહન તપાસ દરમિયાન, પોલીસે ₹2.56 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત કરી હતી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 17 May 2026 10:45 AM (IST)Updated: Sun, 17 May 2026 10:45 AM (IST)
dahod-limkheda-unaccounted-cash-seized-angadia-connection

Dahod Unaccounted cash seized: દાહોદ જિલ્લાના લીમખેડાની ધાનપુર ચોકડી પાસે પોલીસની રૂટીન વાહન ચેકિંગ કામગીરી દરમિયાન એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક અર્ટિગા કારને અટકાવી તેની તલાશી લેતા, તેમાંથી કરોડો રૂપિયાની બિનહસાબી રોકડ રકમનો જથ્થો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લોકસભા ચૂંટણીઓ નજીક હોવાથી અથવા સુરક્ષાના ભાગરૂપે ચાલી રહેલા સઘન ચેકિંગ દરમિયાન આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

પંચોની હાજરીમાં થઈ ગણતરી

મળતી માહિતી મુજબ, લીમખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધાનપુર ચોકડી પાસે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી અર્ટિગા કારને રોકીને તપાસ કરવામાં આવતા પોલીસને કારની અંદરથી ત્રણ શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચોને બોલાવી તેમની પ્રત્યક્ષ હાજરીમાં આ ત્રણેય પાર્સલ ખોલીને તપાસ કરી હતી. પાર્સલમાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા, જેની વિધિવત ગણતરી કરતા કુલ રુ. 2,56,80,500 (બે કરોડ છપ્પન લાખ એંસી હજાર પાંચસો)ની માતબર રકમ હોવાનું સામે આવ્યું હતું.

દાહોદથી વડોદરા લઈ જવાતી હતી રકમ

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નાણાં હેરફેર અંગેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઝડપાયેલી કારના ચાલક રાજુભાઈ નીનામાની પોલીસે જ્યારે કડક પૂછપરછ કરી. ત્યારે તેણે કબૂલાત કરી હતી કે, આ માતબર રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી લાવવામાં આવી હતી અને તેને વડોદરા ખાતે પહોંચાડવાની હતી. વાહન ચાલકે વધુમાં જણાવ્યું હતું કે, દાહોદના ભરત ચોપડા નામના વ્યક્તિએ આ નાણાં વડોદરા ડિલિવરી કરવા માટે આપ્યા હતા.

દસ્તાવેજોના અભાવે નાણાં સીઝ કરાયા

પોલીસે જ્યારે કાર ચાલક રાજુભાઈ પાસે આટલી મોટી રકમ લઈ જવા અંગેના બિલ, રસીદ કે અન્ય કોઈ પણ પ્રકારના કાયદેસરના આધાર-પુરાવા અથવા દસ્તાવેજો માંગ્યા, ત્યારે તે કોઈ પણ સંતોષકારક પુરાવો રજૂ કરી શક્યો ન હતો. આ નાણાં સંપૂર્ણપણે બિનહસાબી અને શંકાસ્પદ જણાતા લીમખેડા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની સંબંધિત કલમો હેઠળ આ સમગ્ર રોકડ રકમ અને કારને સીઝ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇન્કમટેક્સ વિભાગને કરાઈ સત્તાવાર જાણ

આ કરોડો રૂપિયાની બિનહસાબી રોકડ જપ્ત કર્યા બાદ પોલીસે તમામ રકમને સરકારી ટ્રેઝરી (ખજાના)માં સુરક્ષિત રીતે જમા કરાવી દીધી છે. લીમખેડા પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત રીતે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરવામાં આવી છે. નાણાકીય ગેરરીતિ અને કાળા નાણાંનો આ મોટો મામલો હોવાથી પોલીસે આગળની ઊંડાણપૂર્વકની તપાસ માટે ઇન્કમટેક્સ (આયકર) વિભાગને સત્તાવાર રીતે લેખિત જાણ કરી દીધી છે. હવે ઇન્કમટેક્સ વિભાગ આ નાણાંના મૂળ સ્ત્રોત અને ભરત ચોપડા તેમજ આંગડિયા પેઢીની કનેક્શન અંગે આગળની તપાસ હાથ ધરશે.