દાહોદના ખેડૂતો માટે દિલ્હી-મુંબઈ કોરિડોર માથાના દુખાવા સમાન, પહેલા વરસાદે જ ખેતરોમાં ભરાયા પાણી; જુઓ VIDEO

ગત વર્ષે પણ દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવે નજીકના ખેતરોમાં પાણી ભરાયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 02:24 PM (IST)Updated: Fri, 19 Jun 2026 02:24 PM (IST)
dahod-rain-water-logging-mirakhedi-farms-near-delhi-mumbai-corridor-viral-video

Dahod Delhi-Mumbai corridor: દાહોદ જિલ્લામાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. સવારથી વરસી રહેલા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીજી તરફ, દિલ્હી-મુંબઈ કોરિડોરના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ પણ જોવા મળ્યો હતો.

હાઇવે નજીકના ખેતરોમાં જળબંબાકાર

ખાસ કરીને દાહોદના મીરાખેડી ગામમાં ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તાર દિલ્હી-મુંબઈ કોરિડોર હાઈવેની એકદમ નજીક આવેલો છે, અને ત્યાંના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ જ યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ નથી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ ખેતરો તળાવમાં ફેરવાઈ જાય છે.

— Weatherman Uttam (@WesternIndiaWX) June 19, 2026

અનેક રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય

અહેવાલો અનુસાર, દિલ્હી-મુંબઈ કોરિડોર નજીકના આ વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા પાણીના યોગ્ય નિકાલ માટે તંત્રને અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી ચૂકી છે. આમ છતાં, કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં હાલ વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે. જેને લઈને સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દાહોદ જિલ્લાના અન્ય અલગ-અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જોકે, લાંબા સમયની રાહ જોયા બાદ સારો વરસાદ વરસતા ખેડૂતોના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થવાની આશા હોવાથી, ખેડૂત વર્ગમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે.