Loading...

Dahod: સ્ટેશન રોડ શેરડીનો રસ પીવામાં મશગુલ ધારાસભ્યના એકાન્ટન્ટના મોપેડની ડેકીમાંથી રૂ. 2.75 લાખની ઉઠાંતરી

MLA કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટર વાઘજીભાઈએ BOBમાંથી રૂ. 2.65 લાખ ઉપાડ્યા બાદ SBIના ATMમાંથી કેટલીક રકમ નીકાળીને મોપેડની ડેકીમાં મૂકી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 30 Jan 2026 07:04 PM (IST)Updated: Fri 30 Jan 2026 07:04 PM (IST)
dahod-crime-news-retired-clerk-loses-rs-2-75-lakh-in-daring-daylight-robbery-682633
HIGHLIGHTS
  • ધોળા દિવસે ચીલઝડપની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ

Dahod: દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ સ્થિત ચાર થાંભલા વિસ્તારમાં ચીલઝડપની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શેરડીનો રસ પીવામાં મશગુલ બનેલા આશ્રમશાળાના નિવૃત્ત ક્લાર્ક અને હાલ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની મંડળીના એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાઘજીભાઈ પરમારને ગઠિયાઓએ નિશાન બનાવી અંદાજે રૂ. 2.75 લાખની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસ દ્વારા તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાઘજીભાઈ પરમારે મંડળીના કામકાજ માટે બેંક ઓફ બરોડામાંથી ચેક મારફતે રૂ. 2.65 લાખ ઉપાડ્યા હતા. તેમજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ATMમાંથી પણ કેટલીક રકમ કાઢી હતી.

જે બાદ તેઓએ તમામ રકમ મોપેડની ડિક્કીમાં મૂકી સ્ટેશન રોડ પર ચાર થાંભલા નજીક શેરડીનો રસ પીવા માટે ઉભા રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓએ તકનો લાભ લઈ બાઈકની ડિક્કી તોડી તેમાં રહેલી રોકડ રકમ ચોરી લીધી અને પળવારમાં ત્યાંથી નાસી છૂટ્યા હતા.

આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પીડિતે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ગઠિયાઓએ પૂર્વ રેકી કરી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ સીધા જ બાઈક સુધી પહોંચ્યા હતા અને ખૂબ જ ઝડપથી ઘટનાને અંજામ આપ્યો હતો.

પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે તેમજ શહેરના પ્રવેશ માર્ગો પર પણ નજર રાખવામાં આવી રહી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે લોકોને મોટી રકમ સાથે એકલા ન ફરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.