આરોપી કોર્પોરેટર આશિષ જોશીના જામીન નામંજૂર, સંખેડા પોલીસે ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ ની કલમ ઉમેરી

સંખેડા પોલીસે દારૂના કેસમાં કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ કરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 16 May 2026 12:33 PM (IST)Updated: Sat, 16 May 2026 12:33 PM (IST)
vadodara-corporator-ashish-joshi-bail-was-rejected-on-organized-crime-charges
HIGHLIGHTS
  • આશિષ જોશીના જામીન નામંજૂર થયા
  • ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો ગુનો ઉમેરાયો

Accused Ashish Joshi: વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીની કાનૂની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સંખેડા પોલીસ દ્વારા દારૂના કેસમાં તેમની ધરપકડ કરી અને એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આશિષ જોશી તરફથી રજૂ કરવામાં આવેલ જામીન અરજી નામંજૂર કરી છે.

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમની કલમ ઉમેરાઈ

આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સંખેડા પોલીસે અદાલતમાં રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું કે આશિષ જોશી સામે ભૂતકાળમાં પણ ગુના નોંધાયેલા છે. આ આધાર પર તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 111(3) મુજબ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનો ગુનો ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આરોપી તરફે વકીલની ધારદાર દલીલ

બીજી તરફ, આશિષ જોષીના વકીલ એડવોકેટ હિતેશ ગુપ્તાએ કોર્ટમાં ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે, પોલીસે ભૂતકાળના જે કેસનો ઉલ્લેખ કર્યો છે, તે તમામમાં આશિષ જોષી અગાઉ જ નિર્દોષ છૂટી ચૂક્યા છે. તેથી નિર્દોષ છૂટેલા કેસોને આધાર બનાવીને આવી ગંભીર કલમ લગાડવી તદ્દન ગેરકાનૂની છે.

પેરીટીના સિદ્ધાંત પર વિવાદ અને લડાઈ

બચાવ પક્ષે અદાલતમાં કાયદાના ‘પેરીટી’ (સમાનતા) ના સિદ્ધાંતનો પણ હવાલો આપ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપી પ્રમોદ પાંડેને ઘરે પ્રસંગ હોવાથી દારૂ મંગાવવાના ઓર્ડર પર જામીન મળી ગયા છે, તો માત્ર દારૂ મંગાવવાનો આક્ષેપ ધરાવતા કોર્પોરેટરને પણ જામીન મળવા જોઈએ.

અદાલતે આશિષ જોશીના જામીન ફગાવ્યા

જોકે, અદાલતે કાયદાકીય પાસાંઓને ધ્યાને રાખીને પેરીટીના ગ્રાઉન્ડ પર જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. નીચલી અદાલતના આ ચુકાદા સામે બચાવ પક્ષે સ્ટે માંગતા કોર્ટે 15 દિવસનો સ્ટે મંજૂર કર્યો છે. જામીન નામંજૂર થતાં હવે આ કેસની કાનૂની લડત સેશન્સ કોર્ટમાં લડવામાં આવશે.