Chhotaudepur News: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખાટિયાવાટ ગામે મિલકત અને પિતાની નિવૃત્તિના નાણાંની વહેંચણીના વિવાદમાં ભાઈએ જ ભાઈની સોપારી આપી હોય તેમ ઘાતકી હત્યા કરી નાખતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 5 એકર જમીન અને પિતાની નિવૃત્તિ બાદ રેલવેમાંથી મળેલા આશરે રૂ. 30 લાખની વહેંચણી મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન નાના ભાઈએ મોટા ભાઈ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે.
મિલકતના હિસ્સાની માંગણી લોહીની તરસમાં બદલાઈ
મળતી માહિતી મુજબ, વડોદરામાં રહેતા વિજય રાઠવા અને તેમના અન્ય ભાઈઓ વતન ખાટિયાવાટ ગામે નાના ભાઈ બળવંત રાઠવા પાસે મિલકતના હિસ્સાની માંગણી કરવા ગયા હતા. આ દરમિયાન જમીન અને નાણાંની વહેંચણી મુદ્દે ભાઈઓ વચ્ચે વિવાદ વકર્યો હતો. ગુસ્સામાં આવીને નાના ભાઈ બળવંત રાઠવાએ લાકડી વડે મોટા ભાઈ વિજય રાઠવાના માથાના ભાગે જોરદાર ફટકો માર્યો હતો, જેથી વિજય ત્યાં જ ઢળી પડ્યા હતા. આ દરમિયાન વચ્ચે પડેલા અન્ય એક ભાઈ પર આરોપીએ હુમલો કરી, બચકું ભરીને ઈજા પહોંચાડી હતી. લોહીલુહાણ વિજયને પહેલા રંગપુર, પછી બોડેલી અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો.

તારા પતિને ભાગ આપી દીધો, હવે તારો વારો…
મૃતકના પત્ની નિશાબેન રાઠવાએ આ સમગ્ર ઘટના પાછળ એક મોટું ષડયંત્ર હોવાનો આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો છે. તેમણે રડતી આંખે જણાવ્યું કે, મારા જેઠ રવિવારે મારા પતિને કલાલીથી ડભોઈ થઈને ગાડીમાં વતન ખાટિયાવાટ લઈ ગયા હતા. ત્યાં બધાએ ભેગા થઈને લોખંડની લાકડીઓ વડે મારા પતિનું આખું માથું ફાડી નાખ્યું અને નિર્દયતાથી મારી નાખ્યા. એટલું જ નહીં, મારા પતિના મોત બાદ મારી સાસુએ મને ફોન કરીને ધમકી આપી કે, 'તારા ઘરવાળા વિજયને તો અમે ભાગ આપી દીધો (મારી નાખ્યો), હવે તું પણ ભાગ લેવા માટે આવ, તારું પણ પૂરું કરી દઈએ.
પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ
કૌટુંબિક મિલકતના વિવાદમાં ભાઈના હાથે જ ભાઈની હત્યાની આ દુઃખદ ઘટનાથી ગામમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ અને પ્રાથમિક પુરાવાઓના આધારે મુખ્ય આરોપી બળવંત રાઠવા સહિત અન્યો સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્ની નિશાબેને આ કેસમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડક સજા થાય અને તેમને ન્યાય મળે તેવી માંગ કરી છે.
