Chhotaudepur News:છોટાઉદેપુર બોર્ડર-પાલેજ પાસે 2 ગમખ્વાર અકસ્માત;પિતા-પુત્ર સહિત ૩ ના મોત, 7 શ્રમજીવી જિંદગી-મરણ વચ્ચે જોલા ખાતા હોસ્પિટલમાં દાખલ

છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા માર્ગ પર ફેરકુવા ગામની સીમમાં આગળ ઘાસ ભરેલી ટ્રોલીવાળું ટ્રૅક્ટર જઈ રહ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 06 Jun 2026 11:33 PM (IST)Updated: Sat, 06 Jun 2026 11:33 PM (IST)
two-fatal-accidents-near-chhota-udepur-border-and-palej-3-including-father-and-son-tragically-die-7-workers-are-admitted-to-the-hospital-struggling-between-life-and-death

પ્રશાંત ગજ્જર,Chhotaudepur News: ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ નજીક તેમજ ભરૂચ જિલ્લાના પાલેજ-નારેશ્વર રોડ પર સર્જાયેલા બે જુદા-જુદા ગમખ્વાર માર્ગ અકસ્માતોમાં ત્રણ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુર્ઘટનાઓમાં અન્ય સાત શ્રમજીવીઓ ગંભીર રીતે ઘાયલ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલી મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ખુટાજા (જાબવા) ગામથી શ્રમજીવીઓ ભરીને એક તુફાન ગાડી ગુજરાતના ગોંડલ ખાતે ખેતીવાડીમાં મજૂરી કામ અર્થે જઈ રહી હતી.

છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા માર્ગ પર ફેરકુવા ગામની સીમમાં આગળ ઘાસ ભરેલી ટ્રોલીવાળું ટ્રૅક્ટર જઈ રહ્યું હતું. આ દરમિયાન તુફાન ગાડીના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને ટ્રૅક્ટરની ટ્રોલી પાછળ જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે તુફાન ગાડી રોડની બીજી સાઈડ પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ૫૦ વર્ષીય જ્ઞાનસિંહ તકસિંહ વેધલીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ૨૦ વર્ષના પુત્ર સુરેશ જ્ઞાનસિંહ વેધલીયાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

જીપમાં સવાર અન્ય સાત મુસાફરોને માથા, જડબા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં વેસ્તીબેન વેધલીયા (૪૫), મલખીબેન વેધલીયા (૨૫), સંજયભાઈ વેધલીયા (૭), મંજુબેન રાવત, મનીષાબેન રાવત અને પૂજાબેન બામણીયાનો સમાવેશ થાય છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

બહેનની સાસુના બારમામાંથી પરત ફરતા યુવાનને કચડ્યો

બીજો અકસ્માત પાલેજ-નારેશ્વર રોડ પર સારીંગ ગામની સીમમાં ભુખી નદીના બ્રીજ નજીક સર્જાયો હતો. વલસાડના ધરમપુર તાલુકાના ભાંભા ગામે રહેતા ૩૭ વર્ષીય નિલેશ ખુશાલભાઈ મોટાવલ પોતાની પત્ની જયશ્રીબેન સાથે મોટરસાયકલ પર પરત ફરી રહ્યા હતા. નિલેશભાઈ કરજણ તાલુકાના સારીંગ ગામે રહેતી તેમની મોટી બહેન પ્રજ્ઞાબેનની સાસુના બારમાની વિધિમાં હાજરી આપવા આવ્યા હતા.

બપોરના આશરે ત્રણ વાગ્યે નારેશ્વર-પાલેજ રોડ પરથી પસાર થતી વખતે એક અજાણ્યા વાહને તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં નિલેશભાઈને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને પાલેજની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વલણ પોલીસે રાહુલ મોટાવલની ફરિયાદના આધારે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.