Chhotaudepur News:છોટાઉદેપુરમાં પોલીસની મોટી કાર્યવાહી: કપાસના ખેતરમાંથી રૂપિયા 78 લાખનો લીલા ગાંજાનો જથ્થો ઝડપાયો

આ વિશેષ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કડક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 27 May 2026 10:40 PM (IST)Updated: Wed, 27 May 2026 10:40 PM (IST)
major-police-action-in-chhota-udepur-green-marijuana-worth-rs-78-lakh-seized-from-cotton-field

Chhotaudepur News:રાજ્યને નશાની બદીમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવા અને યુવાધનને માદક પદાર્થોના વિનાશક માર્ગે જતું અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં પોલીસ પ્રશાસન દ્વારા એક અત્યંત કડક અને વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ કડક અને પરિણામલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે પોલીસને એક મોટી સફળતા સાંપડી છે.

જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમને એક ચોક્કસ અને ગુપ્ત બાતમી મળી હતી કે, જિલ્લાના કોલીયાથોર ગામમાં રહેતા ઉદલીયાભાઈ ભુચરાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં અન્ય પાકની આડમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય લીલા ગાંજાનું મોટા પાયે વાવેતર કરી રહ્યા છે. આ ચોક્કસ માહિતિના આધારે એસ.ઓ.જી.ની ટીમે સત્વરે એક્શનમાં આવીને કોલીયાથોર ગામે સંબંધિત ખેડૂતના ખેતરમાં ઓચંતી રેડ (દરોડો) પાડી હતી.

પોલીસની આ આકસ્મિક તપાસ દરમિયાન ખેતરમાં કાયદાની નજરોથી છુપાવીને ગેરકાયદેસર રીતે વાવેતર કરાયેલા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. પોલીસ ટીમે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને ઘટનાસ્થળેથી કુલ 156.3 કિલોગ્રામ વજન ધરાવતા 507 નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. બજાર કિંમત મૂજબ આ પકડાયેલા નશાના જથ્થાની અંદાજિત કિંમત ₹78,15,000 આંકવામાં આવી છે.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ પોલીસે ઘટનાસ્થળેથી જ 50 વર્ષીય આરોપી ઉદલીયાભાઈ ભુચરાભાઈ રાઠવાની અટકાયત કરી તેની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપી વિરૂદ્ધ NDPS એક્ટની વિવિધ કડક કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ મામલે આગળની ઊંડાણપૂર્વકની તપાસ અને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે આરોપી તેમજ જપ્ત કરાયેલ મુદ્દામાલને રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

પોલીસની આ સફળ કામગીરીથી પંથકના ડ્રગ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.