Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી ભારે રાજકીય ગરમાવા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ફિલ્મી ડ્રામા વચ્ચે સંપન્ન થઈ હતી.
આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણ સભ્યોનું ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે 'આપ'ના સભ્યોએ ચૂંટણીનો બહિષ્કાર કરી વોકઆઉટ કર્યો હતો. આ ભારે હોબાળા અને વિરોધ પ્રદર્શન વચ્ચે ભાજપે પોતાના 13 સભ્યોના મતના આધારે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી બોર્ડની રચના કરી લીધી છે.
આ પણ વાંચો
સરખી બેઠકોના કારણે જંગ રસપ્રદ બન્યો હતો
છોટા ઉદેપુર તાલુકા પંચાયતની કુલ 26 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેને ફાળે 13-13 બેઠકો આવી હતી. જેના પરિણામોમાં ટાઈ થવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પર સૌની નજર ટકેલી હતી કે, સત્તાનું પલ્લું કઈ તરફ નમશે. જો કે સત્તાના આ ખરાખરીના જંગમાં મતદાન શરૂ થાય તે પહેલાં જ મોટો વળાંક આવ્યો હતો.
લોકશાહીની હત્યાના આક્ષેપ સાથે 'આપ'નો વોકઆઉટ
મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે જ આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના નેતાઓ તેમના 3 સભ્યોને બળજબરીપૂર્વક ઉઠાવી ગયા છે. આ ઘટનાના વિરોધમાં 'આપ'ના બાકીના સભ્યોએ ચૂંટણી ગૃહમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ન્યાયની માંગ સાથે મતદાન પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યો હતો.
AAP નેતા વિનુ રાઠવાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારા સભ્યોને જાહેરમાં ઘસડીને લઈ જવામાં આવ્યા છે, આ સરેઆમ લોકશાહીની હત્યા છે. જ્યારે 'આપ'ના પ્રમુખપદના ઉમેદવાર શરમાબેન રાઠવાએ પોલીસ તંત્ર સામે આંગળી ચીંધતા ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પોલીસે માત્ર અમારી જ પૂછપરછ કરી હતી અને પોલીસની મિલીભગતથી જ અમારા સભ્યોને મેઈન ગેટ પરથી લઈ જવામાં આવ્યા છે.
ભાજપનો ભગવો લહેરાયો
AAPના સભ્યોના બહિષ્કાર બાદ ગૃહમાં માત્ર ભાજપના 13 સભ્યો હાજર રહ્યા હતા. આ સભ્યોની મદદથી જ ચૂંટણી પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી, જેમાં સર્વાનુમતે ભાજપના રમેશ ભૂરસિંહ રાઠવાને પ્રમુખ તરીકે અને સુરજી કંદુ રાઠવાને ઉપપ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. આમ ભાજપે પોતાના 13 સભ્યોના જોરે છોટા ઉદેપુર તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો હતો.
બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ પોલીટેકનિક કોલેજના મુખ્ય ગેટ પાસે એકઠા થઈને ભાજપ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગરમ કરી મૂક્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન છોટા ઉદેપુરમાં હાઈવોલ્ટેજ ડ્રામા જેવા દ્રશ્યો સર્જાયા હતા, જે અંતે ભાજપ શાસનની સ્થાપના સાથે શાંત પડ્યા હતા.
