Loading...

રતનમહાલ બાદ હવે છોટા ઉદેપુરમાં પણ વાઘની ગર્જના! વન વિભાગે પગના નિશાનના આધારે હાજરીની સત્તાવાર પુષ્ટિ કરી

વાઘની હાજરીના પગલે વન વિભાગની ટીમો વાઘની હિલચાલ પર સતત નજર રાખી રહી છે અને તેના મોનીટરિંગની કામગીરી ચાલુ છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 13 Dec 2025 02:51 PM (IST)Updated: Sat 13 Dec 2025 02:51 PM (IST)
forest-department-in-chhota-udepur-officially-confirms-presence-of-tiger-based-on-footprints-654831

Chhota Udepur News: ગુજરાતના વન્યજીવ સંરક્ષણ માટે આ એક મોટા સમાચાર છે. દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્ય બાદ હવે છોટા ઉદેપુર જિલ્લાના જંગલ વિસ્તારમાં પણ વાઘના પગલાં પડ્યા હોવાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. આ સમાચાર 'વાઘ આવ્યો'ની બાળવાર્તાને વાસ્તવિકતામાં ફેરવી નાખે તેવા છે.

સરહદી વિસ્તારમાં વાઘના નિશાન

છોટા ઉદેપુર જિલ્લા વન વિભાગના જણાવ્યા મુજબ, જિલ્લામાં આવેલા સરહદી જંગલ વિસ્તારમાં વનકર્મીઓ નિયમિત પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ પેટ્રોલિંગ દરમિયાન તેમને વાઘના પગના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા હતા. આ નિશાનોથી સ્પષ્ટ થાય છે કે વાઘ આ વિસ્તારમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

થોડા સમય પહેલા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘના વસવાટના દ્રશ્યો વન વિભાગે જાહેર કર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી રતનમહાલ વિસ્તારમાં વાઘ નજરે ન પડતાં, તે છોટા ઉદેપુર તરફ ખસ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

રતનમહાલ નજીક હોવાથી હાજરી શક્ય

આ સંભાવનાને ધ્યાનમાં રાખીને છોટા ઉદેપુર વન વિભાગે રતનમહાલને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ વધુ સઘન કરી દીધું હતું. છોટા ઉદેપુરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (DCF) રૂપક સોલંકીએ સત્તાવાર રીતે પુષ્ટિ કરતા જણાવ્યું કે, રતનમહાલ વન્યજીવ અભયારણ્ય છોટા ઉદેપુરની નજીક આવેલું હોવાથી અહીં વાઘની હાજરી સંભવ છે, અને સરહદી વિસ્તારમાં મળેલા પગલાં આ વાતને સમર્થન આપે છે. ડીસીએફ સોલંકીએ વધુમાં ઉમેર્યું કે, આ વાઘ આજે જ અહીં આવ્યો હોય એવું નથી, પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ફરતો હોઈ શકે છે.

ગ્રામજનોને સાવચેત રહેવાની સૂચના

વાઘની હાજરીના પગલે વન વિભાગની ટીમો વાઘની હિલચાલ પર સતત નજર રાખી રહી છે અને તેના મોનીટરિંગની કામગીરી ચાલુ છે. સાથે જ, વન વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જંગલ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિએ એકલા જવાનું ટાળવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.