Wild animal attack: રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં ફરી એકવાર વન્ય પ્રાણીઓનો ભય સપાટી પર આવ્યો છે. ઉપલેટા તાલુકાના ઢાંક ગામે મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહેલા બે વ્યક્તિઓ પર અજાણ્યા જંગલી જાનવરે હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે.
દર્શને જતા રસ્તામાં જાનવર ત્રાટક્યું
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ઢાંક ગામના સરપંચ સંજયભાઈ લુણસીયા અને તેમના મિત્ર નિતેશભાઈ ધામી ગામમાં આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઝાડીમાંથી એક જંગલી જાનવર ધસી આવ્યું અને બંને પર હુમલો કરી દીધો હતો.
સરપંચ અને યુવક ઈજાગ્રસ્ત, એકની હાલત ગંભીર
આ હુમલામાં સરપંચ સંજયભાઈને સામાન્ય ઈજા પહોંચી, જ્યારે તેમની સાથે રહેલા નિતેશભાઈ ધામીને જાનવરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘટના બાદ તાત્કાલિક બંનેને સારવાર અર્થે ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સરપંચ સંજયભાઈના જણાવ્યા અનુસાર, આ જાનવર 'નાયડુ' (સ્થાનિક બોલીમાં જરખ કે મોટા કદનું જંગલી શ્વાન) હોવાનું અનુમાન છે.
આ પણ વાંચો
ફોરેસ્ટ વિભાગ દોડતું થયું
બનાવની જાણ થતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આ હુમલો કરનાર પ્રાણી દીપડો, ઝરખ કે અન્ય કોઈ જાનવર છે તે દિશામાં પગેરું દબાવી તપાસ હાથ ધરી છે.
