Chhota Udepur: છોટા ઉદેપુર ખાતે આવેલી કેસર હોસ્પિટલમાં એક દર્દીના મોત બાદ એક અત્યંત અજીબ અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હોસ્પિટલના કમ્પાઉન્ડની બહાર કેટલાક લોકો દ્વારા મૃત વ્યક્તિનો જીવ (આત્મા) લઈ જવા માટે તાંત્રિક વિધિ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને કુતૂહલનો વિષય બન્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આજથી બે-ત્રણ દિવસ પૂર્વે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું અવસાન થયું હતુ. જે બાદ ગઈકાલે મૃતકના પરિવારજનો હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે એકઠા થયા હતા. જ્યાં તેઓએ વિધિવત રીતે અગ્નિ પ્રગટાવીને મંત્રોચાર સાથે તાંત્રિક વિધિ શરૂ કરી દીધી હતી.
મૃતકના પરિવારજનોનું માનવું હતું કે, અમારા મૃત સ્વજનનો જીવ હોસ્પિટલ પરિસરમાં જ ભટકતો રહી ગયો છે. જેને લઈ જવા માટે આ પ્રક્રિયા કરવી જરૂરી છે. આ બાબતની જાણ થતાં ઘટના સ્થળે વિધિ જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
એકતરફ હોસ્પિટલમાં ગંભીર બીમારીઓ સામે લોકો લડી રહ્યાં હોય, ત્યાં આવી જગ્યાએ વિધિ કરવામાં આવતા દાખલ દર્દીઓ અને તેમના સબંધીઓના દહેશત જોવા મળી હતી.
આ અંગે પ્રત્યક્ષદર્શી નાગરિકે જણાવ્યું કે, 21મીં સદીમાં જ્યારે વિજ્ઞાન આટલું આગળ વધી ગયું છે, ત્યારે હોસ્પિટલના ઉંબરે આવી તાંત્રિક વિધિઓ કરવામાં આવે, તે સમાજ માટે ચિંતાનો વિષય છે. હોસ્પિટલના આંગણે દર્દીના મરણ બાદ આવી વિધિઓ કરવી એ માત્ર અંધશ્રદ્ધા જ નથી, પરંતુ સારવાર લઈ રહેલા અન્ય દર્દીઓના જીવને જોખમમાં મૂકવા સમાન છે.
વિધિ કરીને પરિવારજનો મૃત સ્વજનની આત્માને કળશમાં કેદ કરીને લઈ ગયા
ગત વર્ષે પણ છોટા ઉદેપુરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ખોડવાલી ગામના ધનજીભાઈ રાઠવા (60)ને બીમારી સબબ છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.
ધનજીભાઈના મૃત્યુના ત્રીજા દિવસે પરિવારજનો બળવાને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના ગેટ નજીક વિધિ કરીને મૃતકની આત્માને કળશમાં કેદ કરીને પોતાના ગામે લઈ ગયા હતા.
