Loading...

Chhota Udepur News: નસવાડીના જંગલોમાં પખવાડિયામાં ચોથીવાર ભીષણ આગ, હજારો વૃક્ષો અને અસંખ્ય વન્યજીવો હોમાયા

વન વિભાગ દ્વારા ગ્રામજનોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 04 Apr 2026 03:31 PM (IST)Updated: Sat 04 Apr 2026 03:31 PM (IST)
chhota-udepur-news-nasvadi-forest-fire-destroys-trees-and-wildlife-721550
HIGHLIGHTS
  • નસવાડીના જંગલોમાં ભીષણ આગ
  • 15 દિવસમાં ચોથીવાર આગ લાગી
  • હજારો વૃક્ષો અને વન્યજીવો હોમાયા

Naswadi Forest Fire: નસવાડી પંથકના કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની આ ચોથી ઘટના બનતા વન વિભાગની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ વિકરાળ આગને કારણે હજારો કિંમતી વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે, અને પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે.

વિકરાળ આગ: પક્ષીઓ-જીવજંતુઓ ખાક

પ્રાપ્ત વિગતો અનુસાર, નસવાડી નજીક આવેલા કુકરદા, નારાધા અને રાતાકાદવ જેવા જંગલ વિસ્તારમાં બપોરના સમયે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. સૂકા ઘાસ અને તેજ પવનને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારમાં તે ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી.

આ ભીષણ આગના તાંડવમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો બળી ગયા છે. વૃક્ષો પર રહેલા પક્ષીઓ અને તેમના માળા બળીને ભસ્મીભૂત થયા છે. જમીન પર રહેતા અસંખ્ય જીવજંતુઓ અને સરિસૃપોનો સફાયો થઈ ગયો છે.

વન વિભાગની ચિંતા વધી: આગ કુદરતી?

સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં પાનખર ઋતુના કારણે સૂકા પાંદડામાં થતા ઘર્ષણથી આગ લાગતી હોય છે. પરંતુ, માત્ર 15 જ દિવસમાં 4 મોટી આગની ઘટના બનતા વન વિભાગ દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ નસવાડી વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને ઠારવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, "આ આગ કુદરતી રીતે લાગી છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્વારા જાણીજોઈને લગાડવામાં આવી છે, તે દિશામાં ખાનગી તપાસ શરૂ કરવામાં આવી છે". ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે હાલમાં વન વિભાગ દ્વારા આસપાસના ગ્રામજનોને પણ જંગલમાં આગ ન લાગે તે માટે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

પર્યાવરણ અને વન્યજીવ પ્રેમીઓમાં રોષ

આગની આ વિનાશક અસરોને કારણે હરિયાળા દેખાતા નસવાડીના ડુંગરો અત્યારે કાળા ડિબાંગ દેખાવા લાગ્યા છે. પર્યાવરણને અને મૂંગા પ્રાણીઓને થયેલા આ નુકસાનને પગલે વન્યજીવ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આગની ઘટનાઓ પર વહેલી તકે અંકુશ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ વિસ્તારનું નૈસર્ગિક સંતુલન પણ ખોરવાઈ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે.