છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી જંગલ વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી રહી છે. તેવામાં નસવાડીના જામલી ગામે આવેલા જંગલમાં આગ લાગી છે. મળતી વિગતો મુજબ, ગઢબોરીયાદ રેન્જ હેઠળનાં જામલી ગામે જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા વન સંપતિને ગંભીર નુકસાન પહોંચ્યું છે. આગે વિકરાળ રુપ ધારણ કરી લેતાં પશુ પક્ષીઓ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ નાસી ગયા છે.
પ્રાણીઓના મોતથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચિંતામાં
પ્રાપ્ત વિગતો મુજબ, નસવાડીના જંગલ વિસ્તારોમાં ગત 2 દિવસોથી આગના બનાવો વધ્યા છે. કુકરદા પછી જામલી ગામના જંગલમાં લાગેલી આગે વિકરાળ રુપ ધારણ કર્યું છે. . આ આગની ઘટનામાં ઘણાં નાના-મોટા પશુઓ અને પક્ષીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. સતત લાગતી આગને લીધે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મીઓ પણ પરેશાન થઈ ગયા છે.
ભૌગૌલિક પડકારો અને અપૂરતો સ્ટાફ
જામલી ગામમાં આગને બુઝાવવા માટે વનવિભાગના માત્ર ચાર જ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ વધુ હોવાને કારણે સ્ટાફ ઘણો ઓછો સાબિત થઈ રહ્યો છે. જેના લીધે આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની છે. ઉપરાંત જંગલમાં દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારો હોવાથી ફાયર બ્રિગેડના વાહનો પહોચી શકતા નથી. જે એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.
વન સંપતિને ભારે નુકસાન
ઉનાળાની શરૂઆતમાં જ જંગલોમાં લાગતી આગને કારણે કિંમતી વૃક્ષો અને ઔષધિઓ બળીને ખાખ થઈ રહી છે. વનવિભાગે આગને કાબૂમાં લેવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ લીધી છે. જોકે, હાલ પૂરતા સાધનોના અભાવે આગ સતત ફેલાઈ રહી છે. હવે વનવિભાગ તપાસ કરી રહ્યુ છે કે, આગ કુદરતી રીતે લાગી છે કે કોઈ અસામાજિક તત્ત્વનું કામ છે.
