'મેં દારૂં નહીં, બપોરે બિયર પીધી..' છોટા ઉદેપુર -ગોંડલ એસ.ટી બસના ચિક્કાર પીધેલા ડ્રાઈવરે મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા

હોબાળો મચાવીને મુસાફરોએ બસને પાવી જેતપુર ખાતે અટકાવીને ડ્રાઈવરને નીચે ઉતારતા મોંઢામાંથી તીવ્ર દારૂની વાસ આવતી હતી અને બોલતી વખતે જીભ પણ થોથવાતી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 19 May 2026 04:22 PM (IST)Updated: Wed, 20 May 2026 04:11 PM (IST)
chhota-udepur-news-druk-st-bus-driver-held-by-passenger-in-pavi-jetpur
HIGHLIGHTS
  • નશામાં ધૂત ડ્રાઈવર બસ આડી-અવળી હંકારતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Chhota Udepur: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST)ની બસોમાં દરરોજ લાખો મુસાફરો સુરક્ષિત સફરની આશાએ પ્રવાસ કરતા હોય છે, પરંતુ ગઈકાલે મોડી સાંજે છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસમાં એક ચોંકાવનારી અને મુસાફરોના જીવ જોખમમાં મૂકે તેવી ઘટના સામે આવી છે. બસનો ચાલક સદંતર નશાની હાલતમાં બસ હંકારી રહ્યો હોવાનું સામે આવતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પાવી જેતપુર ખાતે બસને અટકાવી દીધી હતી.

મુસાફરોની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

ગઈકાલે મોડી સાંજે છોટા ઉદેપુરથી ગોંડલ રૂટની એસટી બસ પોતાના નિર્ધારિત સમયે રવાના થઈ હતી. બસ ચાલુ થયાના થોડા જ સમયમાં મુસાફરોને અહેસાસ થયો કે ડ્રાઈવર બસ પરનું સંતુલન ગુમાવી રહ્યો છે. ડ્રાઈવરની આ ગંભીર બેદરકારી જોઈને બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પોતાની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનું જણાતા મુસાફરોએ એક થઈને બસમાં જ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું.

'મેં દારૂ નથી પીધો, બપોરે બિયર પીધું હતું'"'

મુસાફરોએ તુરંત જ પાવી જેતપુર નજીક બસને બળજબરીપૂર્વક રોકાવી દીધી હતી. જે બાદ તમામ મુસાફરોએ ડ્રાઈવરને સીટ પરથી નીચે ઉતારીને તેની પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરના મોંમાંથી દારૂની તીવ્ર વાસ આવી રહી હતી અને તે સરખું બોલી પણ શકતો ન હતો. જો કે પકડાઈ જવા છતાં ડ્રાઈવરે લૂલો બચાવ કરતા બેધડક જણાવ્યું હતું કે, "મેં દારૂ નથી પીધો, બપોરે બિયર પીધું હતું." ડ્રાઈવરની આ કબૂલાત સાંભળીને મુસાફરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

મુસાફરોએ સમયસૂચકતા વાપરીને આ સમગ્ર મામલાની જાણ તાત્કાલિક પાવી જેતપુર પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસ કાફલો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મુસાફરોએ નશામાં ધૂત ડ્રાઈવરને પોલીસના હવાલે કર્યો હતો.

પાવી જેતપુર પોલીસે ડ્રાઈવરનું મેડિકલ પરીક્ષણ કરાવી, નશાની હાલતમાં જાહેર પરિવહનનું વાહન ચલાવવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. મુસાફરોની સતર્કતાને કારણે એક મોટી સંભવિત દુર્ઘટના ટળી ગઈ હતી.