Loading...

Chhota Udepur: પરપુરુષ સાથે સબંધની શંકામાં પત્નીની ઘાતકી હત્યા, કોર્ટે હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારી

20 ડિસેમ્બર,2022ના રોજ પોલીસ કર્મી પતિએ એસ.ટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી પત્નીને બસમાં ઘૂસીને આડેધડ ચાકુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 11 Dec 2025 08:32 PM (IST)Updated: Thu 11 Dec 2025 08:32 PM (IST)
chhota-udepur-news-court-verdict-life-imprisonment-to-huband-for-killed-wife-653752
HIGHLIGHTS
  • છોટા ઉદેપુર સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
  • રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો, જો ના ભરે તો આરોપીને વધુ એક વર્ષની જેલ

Chhota Udepur: છોટા ઉદેપુરમાં પત્નીની હત્યાના સર્જાયેલા કરૂણ બનાવમાં કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. કદવાલ તાલુકાના ભીખાપુરા ગામે બનેલી આ ઘટનામાં સુરત ખાતે ફરજ બજાવતા પોલીસકર્મી અમૃતભાઈ લાલજીભાઈ રાઠવાએ પોતાની એસ.ટી. કંડક્ટર પત્નીની બસમાં ઘૂસીને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આ ગંભીર કેસમાં મુખ્ય સેશન્સ જજ સુનિલ એમ. ટાંક દ્વારા આરોપીને આજીવન સખત કેદ તથા દંડની સજા સંભળાવવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ કંડા, તા. જેતપુર પાવી (હાલ કદવાલ તાલુકો)ના રહેવાસી અમૃતભાઈ રાઠવા સુરત શહેરના જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં પોલિસકર્મી તરીકે ફરજ બજાવતા હતા. તેમની પત્ની સરકારી એસ.ટી. બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતી હતી. દંપતી વચ્ચે ગત કેટલાક સમયથી મનદુ:ખ ચાલી રહ્યું હતું . અમૃતભાઈને પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા સતાવતી હતી.

આ શંકાને કારણે 20 ડિસેમ્બર 2022ના રોજ બપોરે ભીખાપુરા ગામ નજીક ફરજ બજાવતી બસમાં અમૃતભાઈ અચાનક ઘૂસી ગયા હતા. પોતાની પાસે રાખેલા ચપ્પુ વડે તેમણે પત્નીના ગળા અને છાતીના ભાગે અનેક ઘા મારીને ઘટનાસ્થળે જ નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવ બાદ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ બાદ કેસ છોટા ઉદેપુરની કોર્ટમાં ચાલ્યો હતો.

સરકારી વકીલ સોનલબેન દેસાઈએ કોર્ટે ઝડપી અને દૃઢ દલીલો રજૂ કરી હતી. દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટએ અમૃતભાઈ રાઠવાને પત્નીની હત્યાનો દોષી ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ 25 હજાર રૂપિયાનો દંડ પણ ફરમાવ્યો છે. જો દંડની રકમ નહીં ભરાય તો આરોપીને વધારાના એક વર્ષના સજાના આદેશ પણ કરવામાં આવ્યા છે.