Chhota Udepur: છોટા ઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ વધુ એક વિવાદ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટીના આક્ષેપો વચ્ચે ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભાજપ દ્વારા યોજવામાં આવેલા વિજયોત્સવમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા હાથમાં બંદૂક લઈને અને ગળામાં કારતૂસનો પટ્ટો લટકાવીને નાચતા જોવા મળ્યા હતા.
ચૂંટણીમાં સર્જાઈ હતી ટાઈ, 'આપ'ના વોકઆઉટથી ભાજપનો વિજય
તાજેતરમાં યોજાયેલી છોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP) બંનેના 13-13 સભ્યો ચૂંટાતા ભારે રસાકસી સર્જાઈ હતી અને ટાઈ પડી હતી. આ ગજગ્રાહ વચ્ચે ગતરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી.
આ પણ વાંચો
જોકે, ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટી દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. 'આપ'ના નેતાઓનો આક્ષેપ હતો કે, ભાજપના લોકો તેમના 3 સભ્યોને ઉપાડી ગયા છે (અપહરણ કર્યું છે). આ હોબાળા બાદ આમ આદમી પાર્ટીના સભ્યોએ ચૂંટણી પ્રક્રિયામાંથી વોકઆઉટ કર્યો હતો.
જેના પરિણામે, મેદાનમાં માત્ર ભાજપના 13 સભ્યો જ બાકી રહ્યા હતા, જેમણે મતદાનમાં ભાગ લીધો હતો. આ રાજકીય ડ્રામાના અંતે ભાજપના રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
પ્રમુખ પદ પર ભાજપનો કબ્જો થતાં જ કાર્યકરો અને નેતાઓએ વિજય સરઘસ કાઢ્યું હતું. આ ઉજવણી દરમિયાન છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ઉત્સાહમાં આવી ગયા હતા અને પોતાના હાથમાં બંદૂક પકડી, ગળામાં જીવતા કારતૂસનો પટ્ટો ભરાવીને આદિવાસી પરંપરાગત ઢોલના તાલે ઝૂમવા લાગ્યા હતા. સાંસદનો હથિયાર સાથે ડાન્સ કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
