Salangpur Copyright Row: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવેલા કોપીરાઈટ અને ટ્રેડમાર્કના નિર્ણયે રાજ્યના ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં મોટો વિવાદ જગાવ્યો છે. હિન્દુ સંગઠનો, સાધુ-સંતો અને બ્રહ્મ સમાજ દ્વારા આ પગલાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ કરનારાઓનો તર્ક છે કે ભગવાનને કોઈ સંસ્થાની 'ખાનગી મિલકત' તરીકે ગણી શકાય નહીં. આ ઘમાસણ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ અફવાઓ વચ્ચે, સાળંગપુર મંદિર પ્રશાસને સત્તાવાર નિવેદન જારી કરીને આ મામલે મોટો ખુલાસો કર્યો છે અને ભક્તોમાં ફેલાયેલી ગેરસમજો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.
સાળંગપુર મંદિર ટ્રસ્ટે કરી સત્તાવાર સ્પષ્ટતા
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ટ્રસ્ટ, સાળંગપુર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોપીરાઈટ માત્ર અને માત્ર ત્યાં સ્થાપિત 54 ફૂટ ઊંચી વિશિષ્ટ પ્રતિમા 'કિંગ ઓફ સાળંગપુર', તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના સત્તાવાર લોગો (Logo) પૂરતો જ મર્યાદિત છે. ભગવાન હનુમાનજી પર કોઈનો એકાધિકાર હોઈ શકે નહીં.
મંદિર પ્રશાસને આ કાયદાકીય સુરક્ષા મેળવવા પાછળના મુખ્ય કારણો દર્શાવતા જણાવ્યું છે કે, 'કિંગ ઓફ સાળંગપુર' ની સ્થાપના બાદ કેટલાક લેભાગુ તત્વોએ સાળંગપુરધામના નામે નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ બનાવી લીધા છે. આ નકલી પ્લેટફોર્મ્સ દ્વારા ઓનલાઈન રૂમ બુકિંગ, દાન અને વિવિધ સેવાઓના નામે ભોળા ભક્તો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના કૌભાંડો સામે આવ્યા છે.
કેટલાક વ્યાવસાયિકો છેક ચીનથી પવિત્રતાના કોઈ પણ અંશ વગરની નકલી મૂર્તિઓ બનાવીને બજારમાં વેચી રહ્યા હતા. એક વ્યક્તિએ સાળંગપુરધામના નામે 'વર્લ્ડ ટ્રેડમાર્ક' મેળવવા માટે કાનૂની અરજી પણ કરી દીધી હતી.
ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ પગલું માત્ર આર્થિક લૂંટ અને ભક્તોની આસ્થા સાથે થતા ખીલવાડને રોકવા માટે જ કાનૂની નિષ્ણાતોની સલાહથી લેવાયું છે. કોઈ પણ ભક્ત ભક્તિ કરવા, પૂજા-અર્ચન કરવા કે નવું મંદિર સ્થાપવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે અને સંસ્થાને તેની સામે કોઈ વાંધો નથી.
સાધુ-સંતો અને અખાડાના વડાઓનો વિરોધ
મંદિર ટ્રસ્ટ દ્વારા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) રાઇટ્સ મેળવવાના સમાચાર વાયરલ થતાં જ ગુજરાતભરના સાધુ-સંતો અને અખાડાના વડાઓએ આ નિર્ણય સામે પ્રચંડ વિરોધ નોંધાવ્યો. વિરોધ કરી રહેલા સંતોએ કહ્યું કે, હનુમાનજી મહારાજ પર કોઈનો કોપીરાઈટ હોઈ શકે નહીં અને સ્વામિનારાયણ સંપ્રદાય હસ્તકના આ ટ્રસ્ટે મેળવેલા ટ્રેડમાર્ક તાત્કાલિક અસરથી પાછા ખેંચવા જોઈએ. સંતોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે 'કષ્ટભંજન' અને 'સંકટ મોચન' જેવા નામો સનાતન ધર્મના પવિત્ર શાસ્ત્રોમાં પૂર્વેથી જ ઉલ્લેખિત છે, તેથી કોઈ પણ સંસ્થા તેને પોતાની જાગીર સમજીને તેના પર કાનૂની અધિકાર જમાવી શકે નહીં.
બ્રહ્મ સમાજે આ વિવાદ અંગે શું આશંકા વ્યક્ત કરી છે?
બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ આ મામલે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, હનુમાનજીની પ્રતિકૃતિ અને તમામ ધાર્મિક ચિન્હો પર પ્રત્યેક હિન્દુ અને સનાતનીનો સમાન અધિકાર છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે જો ધાર્મિક મૂર્તિઓ અને નામો પર આ પ્રકારે ટ્રેડમાર્ક સ્થાપવામાં આવશે, તો ભવિષ્યમાં સામાન્ય નાગરિકો કે અન્ય ધાર્મિક સંસ્થાઓએ હનુમાનજીની પ્રતિકૃતિનો ઉપયોગ કરવા માટે આ ચોક્કસ સંસ્થાની મંજૂરી લેવી પડે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય સનાતન પરંપરાની વિરુદ્ધ છે.
