સાળંગપુર હનુમાનજી કોપીરાઈટ મામલે મોરારિબાપુનું મોટું નિવેદન: 'જે હનુમાનજી પ્રેમથી શ્રીરામને વશ કરતા, શું આપણે તેમને વશમાં કરીશું?'

સાળંગપુર કિંગ ઓફ સાળંગપુર મૂર્તિના કોપીરાઈટ વિવાદ પર મોરારિબાપુએ દુ:ખ વ્યક્ત કર્યું છે, જ્યારે કોઠારી વિવેકસાગર સ્વામીએ અફવાઓ પર કાયદાકીય સ્પષ્ટતા કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 02:45 PM (IST)Updated: Wed, 17 Jun 2026 02:45 PM (IST)
salangpur-hanumanji-temple-copyright-controversy-morari-bapu-kothari-swami-clarification

Salangpur Copyright Trademark Dispute: બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી કિંગ ઓફ સાળંગપુર મૂર્તિના કોપીરાઈટ અને ટ્રેડમાર્કને લઈને મોટો વિરોધ ચાલી રહ્યો છે. સનાતન ધર્મના સંતો, બ્રહ્મ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સમગ્ર વિવાદમાં જાણીતા રામકથાકાર મોરારિબાપુનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

સનાતન ધર્મને તોડવાનો પ્રયાસ-મોરારિબાપુનું દુ:ખ

સાળંગપુર મંદિરના ટ્રેડમાર્ક વિવાદ પર ઘેરા પ્રત્યાઘાત આપતા મોરારિબાપુએ એક વીડિયો સંદેશમાં ભારે આક્રોશ સાથે દુ:ખ વ્યક્ત કર્યુ છે.

મોરારિબાપુએ વીડિયોમાં જણાવ્યું કે, આજે સનાતન ધર્મને તોડવા માટે અનેક પ્રકારના પ્રયોજનો અને કાવતરા થઈ રહ્યા છે. આપણા પવિત્ર ગ્રંથ રામચરિતમાનસમાં સ્પષ્ટ લખ્યું છે કે, હનુમાનજી સ્વંય ભગવાન શ્રી રામને પણ પોતાના પ્રેમથી વશ કરતા હતા. પરંતુ અફસોસની વાત છે કે, આજે આપણે એ જ હનુમાનજીને આપણા વશમાં કરવા તૂટી પડ્યા છીએ.

સાળંગપુર મંદિર પ્રશાસનની સ્પષ્ટતા : શું હનુમાનજીના કોપીરાઈટ લેવાયા છે?

સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓ અને ભક્તોમાં ફેલાયેલી ગેરસમજને દૂર કરવા માટે, સાળંગપુર કષ્ટભંજન મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી સામે આવ્યા છે. તેમણે કાયકાદીય સ્થિતિ સ્પષ્ટ કરતા અફવાઓનું કડક ભાષામાં ખંડન કર્યું

વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ખોટો પ્રચાર થઈ રહ્યો છે કે, મંદિરે સમગ્ર હનુમાનજી ભગવાનના કોપીરાઈટ લીધા છે. જેથી કોઈ ભક્ત સંસ્થાની મંજૂરી વગર નવું મંદિર બનાવી નહીં શકે કે હનુમાનજીનું નામ નહીં રાખી શખે આ બાબત તદ્દન ખોટી અને પાયા વિહોણી છે.

શા માટે લેવા પડ્યા કોપીરાઈટ અને ટ્રેડ માર્ક?

નકલી ચીજવસ્તુઓનું ગેરકાયદેસર વેચાણ: સાળંગપુર ધામમાં સ્થાપિત 54 ફૂટ ઊંચી ભવ્ય "કિંગ ઓફ સાળંગપુર" મૂર્તિના નામે કેટલાક લેભાગુ તત્વો ભક્તોને છેતરી રહ્યા છે. સાળંગપુરના નામે નકલી પ્રસાદ, નકલી સાહિત્ય, મૂર્તિઓ, વાઘાના ફોટા, માળા અને દોરા-તિલકનું બજારમાં ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હતું.

ઓનલાઈન કરોડો રૂપિયાની આર્થિક લૂંટ: સાળંગપુર મંદિરના નામે અસંખ્ય નકલી વેબસાઈટ્સ અને સોશિયલ મીડિયા પેજ બનાવીને ભોળા ભક્તો પાસેથી રૂમ બુકિંગ, દાન અને વિશેષ સેવાના નામે કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.

વર્લ્ડ ટ્રેડમાર્કની ઉઠાવગીરી: સ્વામીએ ખુલાસો કર્યો કે, એક શખ્સે તો સાળંગપુર ધામના નામે 'વર્લ્ડ ટ્રેડમાર્ક' મેળવવા માટે પણ અરજી કરી દીધી હતી, જેને રોકવી અનિવાર્ય હતી.

કઈ વસ્તુઓ પર પ્રોટેક્શન લેવાયું છે

વિવેક સાગર સ્વામીએ જણાવ્યું કે, ભક્તોને મોટી છેતરપિંડી અને આર્થિક લૂંટથી બચાવવા માટે કાયદાકીય નિષ્ણાંતોની સલાહ પર નીચેના કોપીરાઈટ લેવાયા છે.

  • કિંગ ઓફ સાળંગપુરની વિશિષ્ટ મૂર્તિ
  • હનુમાનજીના વાઘા
  • સંસ્થાના લોગના ટ્રેડમાર્ક અને કોપીરાઈટ

કોઠારી વિવેકસાગર સ્વામીએ વધુમાં કહ્યું કે, "અમે માત્ર સંસ્થાના લોગો અને વિશિષ્ટ મૂર્તિના જ કોપીરાઈટ અને ટ્રેડમાર્ક લીધા છે. ભગવાન હનુમાનજીના કોઈ કોપીરાઈટ લેવામાં આવ્યા નથી. ઈશ્વરના કોપીરાઈટ ક્યારેય કોઈ વ્યક્તિ કે સંસ્થાને મળી જ ન શકે. હનુમાનજી સદૈવ સૌના હતા, છે અને રહેશે."