Kashtbhanjan Dev Pearl Shringar: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત આજે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) નિમિત્તે તા.23-05-2026, શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાને વ્હાઈટ મોતીના કલાત્મક હંસની થીમ પર વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

દાદાને શ્વેત મોતીના કલાત્મક વાઘાનો શણગાર કરાયો
દાદાને સિંહાસને મોરની થીમ પર મોતીનો નયનરમ્ય રીતે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રીકષ્ટભંજનદેવ દાદાને વ્હાઈટ મોતીના કલાત્મક વાઘા સાથે સિંહાસને મોતીનો દિવ્ય શણગાર સાથે મીઠાઈ -ફરસાણ-ફળમાં કેરી-જાંબુનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. ઉપરાંત સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. આજે શનિવારે અનેક હરિભક્તોએ દાદાને ધજા ચઢાવી હતી. દાદાના દિવ્ય શણગાર, આરતી દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

અધિક માસમાં દાદાના શણગારની વિશેષ સેવા
મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે. આજના શણગાર વિષે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ' 'પુરુષોત્તમ માસ' નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત દરરોજ અનેક વિધ પ્રકારના દિવ્ય વાઘા ધરાવવામાં આવે છે.

શ્રી કષ્ટભંજનદેવને અન્નકૂટ ધરાવાયો
દાદાના સિંહાસને અનેકવિધ પ્રકારનું સુશોભન કરવામાં આવે છે. ત્યારે આજે (રાધાષ્ટમી- જેઠ સુદ આઠમ) નિમિત્તે દાદાને હંસની થીમ પર વ્હાઈટ મોતીના વાઘા ધરાવી સિંહાસને મોરની થીમ પર મોતીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. દાદાને વ્હાઈટ મોતીના વાઘા ધરાવવામાં આવ્યા છે. તે સુરતમાં સાત દિવસની મહેનતે તૈયાર કરાયા છે. તેમજ આજે દાદાને બે પ્રકારના અન્નકૂટ ધરાવામા આવ્યા છે. પ્રથમ વિવિધ પ્રકારની મીઠાઈઓ અને વિવિધ પ્રકારના ફરસાણનો અન્નકૂટ ધરાવાયો હતો અને સવારે 9 વાગ્યે બીજો જામ્બુડા અને કેરીના ફળનો અન્નકૂટ ધરાવાયો હતો. વિશેષ શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ તા.17 મે થી 15 જૂન 2026 સુધી આયોજનમાં હરિભક્તો સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી શકે છે.

