Salangpur Hanumanji: સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસની દિવ્ય ઉજવણી, કષ્ટભંજન દાદાને મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો

સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીનો લાભ લીધા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 13 Jun 2026 04:36 PM (IST)Updated: Sat, 13 Jun 2026 04:36 PM (IST)
salangpur-kashtabhanjan-dev-hanumanji-temple-divine-celebration-of-purushottam-month
HIGHLIGHTS
  • મંદિરનું ગર્ભગૃહ સુવર્ણ કળશથી શણગારવામાં આવ્યું

Salangpur Kashtabhanjan Dev Hanumanji Temple: ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર અત્યારે ભક્તિ અને શ્રદ્ધાના સાગરમાં હિલોળે ચઢ્યું છે. પવિત્ર 'અધિક જેઠ માસ' એટલે કે 'પુરુષોત્તમ માસ' નિમિત્તે અહીં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

શનિવારના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ઉમટી પડેલા હરિભક્તોએ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક ઉત્સાહ વચ્ચે મંદિર પરિસરમાં શિસ્ત અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

દાદાનો દિવ્ય શણગાર અને સુવર્ણ કળશ

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી 13-06-2026 ના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે દિવ્ય વાઘા અને અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મંદિરના ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. દાદાના આ ભવ્ય અને દિવ્ય શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

મીઠાઈનો ભવ્ય અન્નકૂટ અને આરતીનો લ્હાવો

ભગવાનના આગળના ભાગમાં વિવિધ પાત્રોમાં પેંડા, બરફી, લાડુ અને કાજુ કતરી જેવી અનેક પ્રકારની મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. દિવસની શરૂઆત મંગળમય રીતે થઈ હતી, જેમાં સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. જે બાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્તો જોડાયા હતા.

શનિવારની ભીડ અને પ્રસાદની સુવિધા

શનિવારનો દિવસ હોવાથી સાળંગપુર ધામમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મંગળા આરતીનો અનેક લોકોએ લાભ લીધો હતો અને ત્યારબાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખાસ નોંધનીય બાબત એ હતી કે મંદિરના રસોડાની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી હતી, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રાજોપચાર પૂજન અને હનુમાન ચાલીસા યજ્ઞ

ધાર્મિક ઉત્સવોની આ શ્રૃંખલામાં સાંજે 4:00 થી 7:00 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પારિવારિક શાંતિના હેતુથી મંદિરના પટાંગણમાં 17 મે થી 15 જૂન 2026 સુધી શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ ચાલી રહ્યો છે. આ યજ્ઞનો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.