Shree Kashtabhanjan Dev Annakut: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે આજે 21 માર્ચ, શનિવારના રોજ અત્યંત દિવ્ય અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજ રોજ દાદાને વિશેષ વાઘા પહેરાવીને ભવ્ય સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રી કષ્ટભંજનદેવને સુખડીનો અન્નકૂટ
આ દિવ્ય અન્નકૂટનું આયોજન સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવ્યું હતું. સાથે જ, વિવેકસાગરદાસજી સ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન થયું હતું.

દાદાની મંગળા અને શણગાર આરતી
આજના આ પવિત્ર દિવસે મંદિરમાં વહેલી સવારથી જ વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવની મંગળા આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી કરવામાં આવી હતી.
હજારો હરિભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા
સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ દાદાના અલૌકિક શણગાર, સુખડીના અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. દાદાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર મંદિર પરિસર "જય કષ્ટભંજનદેવ" ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
