Ahmedabad To Sarangpur Vande Bharat Train: બોટાદ જિલ્લામાં આવેલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ સ્થિત કષ્ટભંજન હનુમાન મંદિરમાં ((Kashtabhanjan Dev Hanumanji) આજે મોટું તીર્થ સ્થાન બની ગયું છે. એવામાં જો તમે પણ અમદાવાદથી સાળંગપુરધામ જવાનું વિચારી રહ્યા હોવ, તો તમારા માટે એક સારા સમાચાર છે.
સાળંગપુરધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનદાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. યાત્રાળુઓ માટે અમદાવાદથી સાળંગપુર જવા માટે ટ્રેન અને બસોની પુરતી સુવિધા મળી રહે છે, પરંતુ જો તમે આરામદાયક મુસાફરી માણતા દાદાના દરબારમાં જવા માંગતા હોવ તો તમારા માટે ટૂંક સમયમાં વંદે ભારત ટ્રેન શરૂ થવા જઈ રહી છે.
સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાશે
હકીકતમાં ભારતીય રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યારે આ વંદે ભારત ટ્રેન વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જેતલસર અને જૂનાગઢના રૂટ પર દોડી રહી છે. જો કે હવે આ ટ્રેનને ગાંધીગ્રામ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, જૂનાગઢના રૂટ પર દોડાવવા માટે રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

ધોળકા, ધંધુકા અને બોટાદ સ્ટેશને વંદેભારતનું સ્ટોપેજ
નવા સમય પ્રત્રક પ્રમાણે, વંદે ભારત ટ્રેન નંબર 24901 સવારે 6 કલાકે સાબરમતી સ્ટેશનથી ઉપડીને બપોરે 12:50 કલાકે વેરાવળ પહોંચાડશે. આ દરમિયાન સવારે 8:40 કલાકે આ ટ્રેન બોટાદ સ્ટેશને પહોંચાડશે. એટલે કે તમે વંદેભારત ટ્રેનમાં 2 કલાક અને 40 મિનિટમાં બોટાદ સ્ટેશને પહોંચી જશો, જે સાળંગપુર ધામથી નજીકનું રેલવે સ્ટેશન છે.
બોટાદ રેલવે સ્ટેશને ઉતર્યા બાદ બહારથી તમને શટલ રિક્ષાઓ મળી જશે. બોટાદ અને સાળંગપુર ધામ વચ્ચેનું અંતર માત્ર 11 કિમી દૂર છે, જ્યાં તમને શટલ રિક્ષા 20 થી 30 મિનિટમાં પહોંચાડી દેશે. આમ તમે અમદાવાદથી માત્ર 3 કલાક જેટલા સમયમાં સાળંગપુર પહોંચી જશે.

નવા રુટને રેલવે બોર્ડની મંજૂરી મળી, સત્તાવાર પુષ્ટિ બાકી
જણાવી દઈએ કે, રેલવે બોર્ડ દ્વારા સાબરમતી-વેરાવળ વંદે ભારત ટ્રેનના રૂટમાં ફેરફારની મંજૂરી જ મળી છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. વંદે ભારતનો રૂટ બદલાતા વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ જેવા સ્ટોપેજ દૂર થઈ જશે, જ્યારે ધોળકા, ધંધુકા, બોટાદ અને ઢસા જેવા સ્ટેશનેને પ્રથમવાર વંદેભારતની સેવા મળશે. આ નવો રૂટ અને તેનું સમયપત્રક કંઈ તારીખથી લાગુ થશે, તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
અમદાવાદથી બોટાદ જવા માટે અન્ય ટ્રેનની વિગતો
- ગાંધીગ્રામ-બોટાદ પેસેન્જર ટ્રેન નંબર 09573: સવારે 7 કલાકે ગાંધીગ્રામથી ઉપડશે. જે વસ્ત્રાપુર, સરખેજ થઈને 11:20 કલાકે બોટાદ પહોંચાડે છે.
- બોટાદ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન નંબર 19203: આ ટ્રેન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી વહેલી સવારે 3:05 કલાકે ઉપડશે, જે સવારે 6:40 કલાકે બોટાદ પહોંચાડે છે.
- પારસનાથ એક્સપ્રેસ ટ્રેન નંબર 12942: આ ટ્રેન અમદાવાદના કાલુપુર સ્ટેશનથી વહેલી સવારે 3:30 કલાકે ઉપડે છે, જે સવારે 7 કલાકે બોટાદ પહોંચાડે છે.
- ભાવનગર-કાકીનાડા સુપરફાસ્ટ ટ્રેન નંબર 12755: આ ટ્રેન બપોરે 1:25 કલાકે કાલુપુર સ્ટેશનથી ઉપડ્યા બાદ સાડા 4 કલાકે બોટાદ પહોંચાડે છે.
- ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નંબર 19108: આ ટ્રેન અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 4 કલાકે ઉપડ્યા બાદ 7:10 કલાકે બોટાદ પહોંચાડશે.
- કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નંબર. 19259: આ ટ્રેન સવારે 6:40 કલાકે અમદાવાદના કાલુપુરથી ઉપડ્યા બાદ 10:05 કલાકે બોટાદ પહોંચાડશે.
- બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન નંબર 12946: આ ટ્રેન સવારે 9:05 કલાકે અમદાવાદથી ઉપડ્યા બાદ 1:15 કલાકે બોટાદ પહોંચાડશે.
- સાબરમતી-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન નંબર 20965: આ ટ્રેન સાંજે સાડા 4 કલાકે અમદાવાદથી ઉપડશે, જે સાંજે 7 કલાકે બોટાદ પહોંચાડશે.
નોંધ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને રી-ડેવલોપમેન્ટનું કામ ચાલતું હોવાથી ટ્રેનના સમયમાં અને ડિપાર્ચર સ્થળમાં ફેરફાર હોઈ શકે છે. આથી મુસાફરોએ પ્લાનિંગ કરતાં પહેલા ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઈટ પર વિગતો ચકાસી લેવી.
