Loading...

Botad: બરવાળામાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં એકનું મોત, કામ કરી રહેલા મજૂરના શરીરના અંગો ઉડીને દૂર ખેતરમાં જઈને પડ્યા

ફેક્ટરીના એક રૂમમાં ફટાકડા બનાવવા માટે રો મટીરિયલ રાખ્યું હતુ, જેમાં આગના કારણે મોડો ધડાકો થતાં પતરાં 100 ફૂટ ફંગોળાયા. ધડાકાના મોટા અવાજથી આસપાસના ગામના લોકોમાં ફફડાટ.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 21 Mar 2026 08:18 PM (IST)Updated: Sat 21 Mar 2026 08:19 PM (IST)
botad-news-worker-killed-in-barwala-firecracker-factory-blast-body-parts-found-far-away-712772
HIGHLIGHTS
  • વાડીમાં ખડકેલા કારખાનામાં ધડાકો થતાં દાઝેલા માલિક સહિત બે શ્રમિકોની હાલત ગંભીર

Botad: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આજે બપોરના સમયે એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ જોરદાર ધડાકો સર્જાયો હતો. આ કાળજું કંપાવનારા અકસ્માતમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે.

જ્યારે ફેક્ટરીના માલિક અને અન્ય બે મજૂરો ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીના પતરા અને સામગ્રી ૧૦૦ મીટર દૂર સુધી હવામાં ઉડીને પડી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, બરવાળા તાલુકાના બેલા અને ટીંબલા ગામની વચ્ચે વાડી વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં આ દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીના એક રૂમમાં ફટાકડા બનાવવા માટેનું કાચું રો-મટીરિયલ (દારૂગોળો) ભરેલું હતું, જ્યાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી.

આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ ધડાકાનો અવાજ આજુબાજુના ગામો સુધી સંભળાયો હતો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયાનક હતી કે, ફેક્ટરીમાં કામ કરી રહેલા લોકોના શરીરના અંગો કપાઈને દૂર ખેતરોમાં જઈ પડ્યા હતા. આ ઘટનામાં એક મજૂરનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ફેક્ટરીના માલિક અને અન્ય બે વ્યક્તિઓને લોહીલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલમાં ખસેડાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત અત્યંત નાજુક છે.

આ ઘટનાની જાણ થતા જ બરવાળા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ ફેક્ટરીમાં સુરક્ષાના સાધનોનો અભાવ અને નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર બોટાદ જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.