Loading...

Botad: બાકી બેંક લોનવાળું મકાન પધરાવી મહિલા સાથે રૂ.2 કરોડની ઠગાઈ, 6 વિરુદ્ધ ફરિયાદ

આધેડ મહિલાએ પોતાના ઘરેણા વેચીને ટૂકડે-ટૂકડે રૂ.2.05 કરોડ ચૂકવી દીધા પછી રહેવા ગયા, ત્યારે બેંકના લોન રિકવરી સ્ટાફે ઘરે આવીને મકાન પર લોન લેવાઈ હોવાની જાણ કરી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 18 Mar 2026 06:19 PM (IST)Updated: Wed 18 Mar 2026 06:19 PM (IST)
botad-news-woman-duped-of-rs-2-crore-in-loan-burdened-house-deal-710789
HIGHLIGHTS
  • અખબારમાં આપેલી નોટિસ પર ભરોસો રાખી મકાન ખરીદનાર મહિલા ભોગ બની

Botad: બોટાદ શહેરના પાળીયાદ રોડ પર ગોવિદ પાર્કમાં રહેતી મહિલાને બાકી બેંક લોન વાળું મકાન પધરાવીને રૂ. 2 કરોડની ઠગાઈ આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બોટાદ પોલીસ મથકમાં બે મહિલા સહિત 6 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અખબારમાં આપેલી નોટિસ પર ભરોસો રાખીને મકાન ખરીદ્યું

મુખ્ય સુત્રધાર હનુભાઈ ખાચર (રહે. નોલી)એ ઓક્ટોબર-2025માં અખબારમાં નોટિસ આપી હતી. જેમાં ગોવિંદ પાર્ક સ્થિત પ્લોટ નંબર 1 અને મકાન પર કોઈનો હક-હિત નથી. આ નોટિસ પર ભરોસો રાખીને હિનાબેન ધોળકિયા (53)એ મકાન અને પ્લોટ ખરીદવાનું નક્કી કર્યું હતુ. જે પેટે હિનાબેને પોતાના ઘરેણા વેચીને ટૂકડે-ટૂકડે રૂ.2.05 કરોડ હનુભાઈને ચૂકવી દીધા હતા.

જે બાદ નવેમ્બર મહિનાના અંતમાં હિનાબેન મકાનમાં રહેવા જતાં રહ્યા હતા. જો કે 16 ડિસેમ્બર, 2025ના રોજ HDFC બેંકના રિકવરી સ્ટાફે ઘરે આવીને જાણ કરી હતી કે, આ મકાન પર રૂ. 90 લાખની લોન લેવામાં આવી છે, જે વ્યાજ સાથે રૂ. 97 લાખ જેટલી થવા જાય છે.

આ મામલે હિનાબેને બોટાદ પોલીસ મથકમાં હનુભાઈ માત્રાભાઈ ખાચર (રહે. નોલી, જી. સુરેન્દ્રનગર) મુખ્ય આરોપી (વચેટિયો), સુનીલભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) મૂળ માલિક/પ્રોપરાઈટર, કલ્પેશભાઈ કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ), હંસાબેન કનૈયાલાલ પાટડીયા (રહે. બોટાદ) .અરૂણાબેન સુનીલભાઈ પાટડીયા (રહે. બોટાદ) .કનૈયાલાલ લાલજીભાઈ પાટડીયા (રહે. બોટાદ) વિરુદ્ધ પોતાને લોન બાબતે અંધારામાં રાખીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આપી છે.