Celebration of Hanuman Jayanti: સાળંગપુર ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં વર્ષ 2026ની હનુમાન જયંતીની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. 'કૃતજ્ઞતાનો મહા મહોત્સવ' શીર્ષક હેઠળ લાખો ભક્તોની હાજરીમાં દાદાનો પ્રાગટ્ય ઉત્સવ અત્યંત દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જેમાં ભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો અદભૂત સંગમ જોવા મળશે.
સંગીત અને લોક ડાયરાની જામશે મહેફિલ
મહોત્સવ દરમિયાન 1 એપ્રિલ 2026ની રાતે 9 વાગ્યે લોકડાયરો યોજાશે. ભક્તો આ કીર્તન આરાધનામાં ઉપસ્થિત રહીને દાદાની ભક્તિનો લાભ લઈ શકશે. આ ઉપરાંત, 'કિંગ ઓફ સાળંગપુર' ના સાનિધ્યમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકપ્રિય કલાકારો કીર્તિદાન ગઢવી, બિરજુ બારોટ અને રાજ ગઢવી પોતાની કલા પીરસશે.
મુખ્ય ઉત્સવના દિવસે આકર્ષણોની વણઝાર
2 એપ્રિલ 2026, ગુરુવારના રોજ હનુમાન જયંતીના મુખ્ય ઉત્સવની શરૂઆત વહેલી સવારે 05:00 વાગ્યે ભવ્ય આતશબાજી સાથે થશે. સવારે 07:00 વાગ્યે શ્રી કષ્ટભંજન દેવ સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે. જે સમયે 1,00,000 બલૂન ડ્રોપ દ્વારા ભક્તોનું અદભૂત સ્વાગત કરવામાં આવશે. સવારે 07:30 વાગ્યે 151 કિલોની વિશાળ કેક કાપવામાં આવશે અને હજારો ભક્તો હનુમાન ભક્ત મંડળ ડીજેના તાલે ઝૂમી ઉઠશે.
ધાર્મિક વિધિઓ અને મહાપ્રસાદ
આ પવિત્ર અવસરે શ્રી કષ્ટભંજન દેવનો 1008 કિલો પુષ્પોથી ભવ્ય અભિષેક કરવામાં આવશે. પવિત્ર બ્રાહ્મણો અને શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના હસ્તે દાદાનું ભવ્ય રાજોપચાર પૂજન સંપન્ન થશે. યજ્ઞશાળામાં આયોજિત સમૂહ યજ્ઞમાં 1000 થી વધુ ભક્તોને બેસવાનો લાભ મળશે. જ્યાં વૈદિક મંત્રોચ્ચારથી પવિત્રતાનો સંચાર થશે. સવારે 10:00 વાગ્યે વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવશે અને 11:00 વાગ્યાથી દર્શને આવનાર દરેક ભક્ત માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે.
લાઈટ એન્ડ સાઉન્ડ શો અને ભવ્ય આરતી:
ઉત્સવની પૂર્ણાહુતિ સાંજના સમયે વિશેષ આકર્ષણો સાથે થશે. 'કિંગ ઓફ સાળંગપુર' ખાતે ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. સાંજે 07:00 વાગ્યે હજારો દીવડાઓ, નાસિકના પ્રખ્યાત તાસા ગ્રુપના ઢોલ અને ઐતિહાસિક આતશબાજી સાથે સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં દાદાની સામૂહિક આરતી કરવામાં આવશે.
ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા:
લાખોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોના વાહનો માટે 17 થી 26 સુધીના કુલ 10 અલગ-અલગ લોકેશન પર 26 જેટલા પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આરોગ્યલક્ષી કેન્દ્ર, લાઇટ હાઉસ ઉતારા ભવન, ગોપાળાનંદ સ્વામી ભવન અને ભોજનાલય જેવી સુવિધાઓ કાર્યરત રહેશે. જે ભક્તો સાળંગપુર નથી પહોંચી શકતા, તેઓ મંદિરની યુટ્યુબ ચેનલ પર આ ઉત્સવનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.
