Botad News: બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં જૂની અદાવતને લઈને હિંસક હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઢડાના માંડવધાર ગામે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થયો છે. પિતા અને પુત્ર પાણી ભરવા ગયા હતા. તેવામાં 10 જેટલા લોકોએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં પિતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થથતાં તેમને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.
પિતા અને પુત્ર પર હુમલો થયો
મળતી વિગતો મુજબ, ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા હિમત ગઢાદરા અને તેમનો પુત્ર પ્રકાશ હિમત ગઢાદરા ગામમાં પાણી ભરવા ગયેલ હતા. ત્યાં કોઈ જૂની અદાવતને પગલે 8થી 10 જેટલા ઈસમોએ આવીને પિતા અને પુત્ર પર ઘાતક હુમલો કરી દીધો હતો. જે બાદ હુમલો કરનારા ઈસમો નાસી ગયા હતા.
ઈજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલ ખસેડાયા
પિતા-પુત્રને ગંભીર હાલતમાં તત્કાલ ગઢ઼ડાની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બંને પિતા અને પુત્રની હાલત ગંભીર જણાતાં તેમને તબીબોએ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં ગઢડા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.
ભોગ બનનાર હિમત ગઢાદરાએ આપેલા નિવેદન પ્રમાણે હુમલો જૂની અદાવતમાં કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે.
