Avani Chavda in India Under-19 Women Cricket Team: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને ખાસ કરીને બોટાદ જિલ્લા માટે રમતગમત ક્ષેત્રે એક અત્યંત ગર્વના સમાચાર સામે આવ્યા છે. બોટાદની યુવા મહિલા ક્રિકેટર અવની ચાવડાની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ સિદ્ધિ સાથે જ તે ઈન્ડિયા અંડર-19 ટીમમાં સ્થાન મેળવનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
નાની ઉંમરે મોટી સિદ્ધિ: અવની ચાવડાની ક્રિકેટ સફર
માત્ર 15 વર્ષની નાની વયે અવની ચાવડાએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વિહળધામ પાળીયાદ સંચાલિત વિહળ સ્ટેડિયમમાં ભયલુ બાપુના માર્ગદર્શન હેઠળ કરી હતી. હાલમાં તે બોટાદની સમરસ એકેડેમી ખાતે કોચ કિરણભાઈ સોલંકીના નેતૃત્વમાં પ્રેક્ટિસ કરી રહી છે.

અવની બોટાદની મન મંદિર સ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરે છે. અગાઉ પણ અવની ચાવડાએ SGFI ગુજરાત મહિલા U-17 ટીમ તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની U-15, U-17, U-19, U-23 અને સિનિયર ક્રિકેટ ટીમોમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાનું સ્થાન જમાવ્યું હતું.
શ્રીલંકા સામે ચેન્નાઈમાં રમશે T-20 સિરીઝ
આગામી તારીખ 22 થી 27 જૂન દરમિયાન ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વુમન્સ અંડર-19 અને શ્રીલંકા વુમન્સ અંડર-19 ટીમ વચ્ચે ત્રણ T20 મેચની સિરીઝ રમાવા જઈ રહી છે. આ મહત્વપૂર્ણ શ્રેણી માટે ભાવિકા આહિરની કેપ્ટનશીપ હેઠળ જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં અવની ચાવડાએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.
ભારતીય અંડર-19 મહિલા ટીમ
ભાવીકા આહિર (કેપ્ટન), ઈરા જાધવ, તનિષ્કા શર્મા, ઈશ્ર્વરી અવસરે, અવની ચાવડા, મહતો નિધિ, પૂર્વા સિવાચ, પલક કુમારી, મહક નરવાસે, કાશવી કુંદી કુટ્યા, મણિયાર મૈત્રી, ગૌરી ગોયલ, જાહન્વી વીકરાર, અનાડી તાગડે, કે. દીક્ષા.

વિહળધામ પાળીયાદમાં ભવ્ય સન્માન
ભારતીય ટીમમાં પસંદગી પામ્યા બાદ અવની ચાવડાએ પાળિયાદ સ્થિત શ્રી વિસામણબાપુની જગ્યાની મુલાકાત લીધી, જ્યાં તેણે રાઘવેન્દ્ર સરકાર અને શ્રી વિહળાનાથના દર્શન કર્યા હતા. ગાદીપતિ નિર્મળાબાના આશીર્વાદ લીધા બાદ તેણે ભયલુ બાપુની શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે જગ્યાના બા અને ભયલુ બાપુ દ્વારા અવનીને પુષ્પમાળા, રામનામી શાલ અને ઠાકર વિહળાનાથની સ્મૃતિ ભેટ અર્પણ કરીને વિશેષ સન્માનિત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા ક્રિકેટર બની
બોટાદ જેવા નાના જિલ્લામાંથી આવીને દેશ માટે રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અવનીને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને BCCI ની એપેક્ષ કાઉન્સિલના મેમ્બર જયદેવ શાહ, નિરંજન શાહ, કોચ જાની સાહેબ અને શીતલ મેમ સહિતના લોકો તેને અભિનંદન પાઠવ્યા છે.
આ પણ વાંચો: IND vs AFG ODI: ધર્મશાલામાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ODI, જાણો પિચ રિપોર્ટ-પ્લેઇંગ 11
જયદેવ શાહે ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું કે, "શ્રીલંકા સામેની શ્રેણી માટે ભારતની મહિલા અંડર-19 ટીમમાં અવની ચાવડાની પસંદગી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે ગર્વની વાત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવાનું સન્માન મેળવનાર અમારી પ્રથમ યુવા મહિલા ક્રિકેટર છે". બોટાદ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને કોચ કિરણ સોલંકીએ પણ આ ઐતિહાસિક પસંદગી બદલ હર્ષ વ્યક્ત કર્યો છે.
