Indian Under-19 Cricket Team: BCCI દ્વારા શ્રીલંકા સામેની રમાનારી આગામી ટી-20 (T20), મલ્ટી-ડે અને વન-ડે (ODI) સિરીઝ માટે ભારતની મેન્સ અંડર-19 ક્રિકેટ ટીમ અને વિમેન્સ અંડર-19 ક્રિકેટ ટીમ જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતના યુવા ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતભરમાં રમતપ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારતીય મહિલા U-19 ટીમમાં ગુજરાતની દીકરીઓનો જલવો
ભારત અને શ્રીલંકાની મહિલા U-19 ટીમો વચ્ચે આગામી સમયમાં ત્રણ T20 અને ત્રણ વન-ડે (ODI) મેચોની મહત્વની સિરીઝ રમાવાની છે. આ પ્રવાસ માટે નક્કી થયેલી ભારતીય U-19 મહિલા ક્રિકેટ ટીમમાં (Indian U-19 Women's Cricket Team) ગુજરાતમાંથી ત્રણ શાનદાર મહિલા ખેલાડીઓની પસંદગી થઈ છે.
ડાયમંડ સિટી સુરતની ગૌરી ગોયલ
ગૌરી ગોયલ ભારતીય ટીમમાં સિલેક્ટ થનારી સુરત શહેરની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તે એક અત્યંત કુશળ ઓલરાઉન્ડર છે, જે લેફ્ટ આર્મ લેગ સ્પિન બોલિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. NCA દ્વારા આયોજિત 26 દિવસીય એલિટ કેમ્પમાં 78 શ્રેષ્ઠ ખેલાડીમાંથી શોર્ટ લિસ્ટ થયા બાદ ગૌરીએ પોતાના પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા.
🏏 **A Proud Moment for Gujarat Cricket!** 🇮🇳
The Gujarat Cricket Association proudly congratulates **Gauri Goyal** on her selection in the **India Women's Under-19 Cricket Team** squad for the upcoming **IDFC FIRST Bank Sri Lanka Women's U19 Tour of India**.
This remarkable… pic.twitter.com/oLThKMP8RY
નવસારીની દીકરી મૈત્રી મણિયાર
નવસારીની મૈત્રી મણિયારે સાત વર્ષની ઉંમરથી કોચ કાંતિલાલ પટેલના માર્ગદર્શનમાં ક્રિકેટ શીખવાની શરૂઆત કરી હતી. દીકરીની કારકિર્દી માટે મૈત્રીના માતા-પિતાએ મોટો ત્યાગ કર્યો, જેમાં સમગ્ર પરિવાર નવસારી છોડીને વડોદરા સ્થાયી થયો હતો. મૈત્રીનું સપનું દેશ માટે લાંબા સમય સુધી રમવાનું અને મોટા મુકામ હાંસલ કરવાનું છે.

બોટાદની 15 વર્ષીય અવની ચાવડા
માત્ર 15 વર્ષની નાની વયે બોટાદની અવની ચાવડાએ આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અવની ચાવડા ઇન્ડિયા અંડર-19 ટીમમાં સ્થાન મેળવનાર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) ની પ્રથમ મહિલા ક્રિકેટર બની ગઈ છે.
પુરૂષોની અંડર-19 ટીમમાં ગુજરાતના આશાસ્પદ ખેલાડીઓ
મહિલાઓની જેમ ભારતીય પુરૂષોની અંડર-19 ટીમમાં પણ ગુજરાતના યુવા ખેલાડીઓએ સ્થાન જમાવ્યું છે. આગામી જુલાઈમાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ શ્રીલંકા સાથે ત્રણ વન-ડે તથા બે મલ્ટી-ડે ક્રિકેટ મેચ રમશે.
કાવ્ય પટેલ અને કુશ પટેલ
BCCI દ્વારા જાહેર કરવામાં આવેલી ટીમમાં ટીમ મેનેજમેન્ટે કાવ્ય પટેલનો વન-ડે અને મલ્ટી-ડે (ચાર દિવસીય મેચ) એમ બંને ટીમમાં સમાવેશ કર્યો છે. જ્યારે પ્રભાવશાળી પ્રદર્શન કરનારા કુશ પટેલને મલ્ટી-ડે એટલે કે ચાર દિવસીય મેચ માટેની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
GCA proudly congratulates and extends its best wishes to Kavya Patel (One-Day & Multi-Day) and Kush Patel (Multi-Day) on their selection in the 🇮🇳 India Men’s U19 squads for the upcoming tour of Sri Lanka.
This remarkable achievement reflects their dedication, hard work, and… pic.twitter.com/drLjH1ULYl
રાજકોટનો મોહિત ઉલ્વા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના રાઇટ આર્મ મીડિયમ પેસર મોહિત ઉલ્વાની ભારતની અંડર-19 વન-ડે ટીમમાં પસંદગી કરવામાં આવી છે. શ્રીલંકાના હંબનટોટા ખાતે 4, 6 અને 9 જુલાઈના રોજ ત્રણ વન-ડે મેચ રમાશે.
આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ: બોટાદની અવની ચાવડાની ભારતીય અંડર-19 ટીમમાં પસંદગી, સૌરાષ્ટ્રની પ્રથમ મહિલા ક્રિકેટર
આ સિદ્ધિ બદલ BCCI ભૂતપૂર્વ માનદ સચિવ નિરંજન શાહ અને અન્ય હોદ્દેદારોએ તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ તમામ ખેલાડીઓનું આંતરરાષ્ટ્રીય સ્તરે રમવું રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ગર્વની બાબત છે અને તેનાથી અન્ય યુવાનોને પણ પ્રેરણા મળશે.
