Kutch Cyber Crime: દેશભરમાં ડિજિટલ અરેસ્ટ, ફોન હેકિંગ અને ઓનલાઈન ફ્રોડ જેવા સાયબર ક્રાઈમના મામલા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. સામાન્ય નાગરિકોને છેતરતા સાયબર માફિયાઓએ આ વખતે એક પોલીસ અધિકારીને નિશાન બનાવ્યા છે. મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના PSI વી.એન. ચાવડાનો મોબાઈલ ફોન સાયબર માફિયાઓએ હેક કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
APK ફાઈલ ઓપન કરતા ફોન થયો હેક
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ભેજાબાજ ઠગે પ્રાગપર પોલીસ મથકના PSI વી.એન. ચાવડાને વોટ્સએપ મારફતે એક APK ફાઈલ મોકલી હતી. આ APK ફાઈલ ડાઉનલોડ કરી ઓપન કરતા જ PSI વી.એન.ચાવડાનો મોબાઈલ ફોન હેક થઈ ગયો હતો. ફોન હેક થયા બાદ સાયબર માફિયાઓએ અસલી ખેલ શરૂ કર્યો હતો.
સાથી પોલીસકર્મીઓને મેસેજ મોકલી પૈસા માંગ્યા
આરોપીએ પોલીસ અધિકારીના વોટ્સએપ નંબરથી તેમના સંપર્કમાં રહેલા અધિકારીઓ અને અન્ય લોકોને મેસેજ કર્યા હતા. PSI ચાવડાના સાથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ‘એક્સિડેન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર છે' તેવા મેસેજ કરીને UPI પેમેન્ટ દ્વારા રૂપિયા મોકલવા માટે સ્કેનર મોકલ્યા હતા.
આ પણ વાંચો
અન્ય લોકોને પણ મોકલી APK ફાઈલ
PSI ચાવડાના ઉપરી અધિકારી પ્રાગપરના PI અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓને આવા મેસેજ કરવામાં આવ્યા હતા. મોબાઈલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તેવા તમામ લોકો અને પોલીસ ખાતાના વિવિધ વોટ્સએપ ગૃપમાં PSI ચાવડાના વોટ્સએપ નંબરથી આરોપીએ APK ફાઈલ પણ મોકલી હતી. આ મામલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલની મદદ લેવાઈ રહી છે.
અગાઉ નિવૃત્ત મહિલા PSI થયા હતા ડિજિટલ અરેસ્ટ
નોંધનીય છે કે, તાજેતરમાં જ ભુજના એક નિવૃત્ત મહિલા PSI સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં તમારું સીમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું છે તેમ જણાવીને આરોપીઓએ મહિલાને ડરાવ્યા હતા. જે બાદ બે માસ ડિજિટલ અરેસ્ટ કરીને આરોપીએ રૂપિયા 83.44 લાખ પડાવ્યા હતા.
