Loading...

Gandhidham: "ક્રૂરતાની તમામ હદ પાર" નજીવી તકરારમાં આધેડને જીવતા સળગાવ્યા, સારવાર દરમિયાન થયું મોત

આ મામલે પોલીસ ત્રણ મહિલા સહિત ચાર લોકો સામે હત્યાનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 26 Jan 2026 03:50 PM (IST)Updated: Mon 26 Jan 2026 03:55 PM (IST)
gandhidham-police-fir-against-four-accused-who-burnt-middle-aged-man-alive-680168
HIGHLIGHTS
  • આરોપીએ 50 વર્ષીય આધેડ પર ડીઝલ છાંટી આગ લગાવી દીધી
  • ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
  • ત્રણ મહિલા સહિત ચાર આરોપી સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

Gandhidham man burnt alive: ગાંધીધામ શહેરના રોટરીનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. માત્ર સ્ટૂલ પર બેસવા જેવી મામૂલી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ ક્રૂરતાની હદ વટાવી છે. આરોપીએ એક 50 વર્ષીય આધેડ પર ડીઝલ છાંટી તેમને જીવતા સળગાવી દીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

નજીવી બાબતમાં થઈ હતી તકરાર

મળતી માહિતી મુજબ, રોટરી નગરમાં રહેતા 50 વર્ષીય કરશનભાઈ મહેશ્વરી અને તેમના પાડોશીઓ વચ્ચે સ્ટૂલ પર બેસવા જેવી સામાન્ય બાબતે તકરાર થઈ હતી. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે પડોશમાં રહેતી ત્રણ મહિલાઓ પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લાહિરી અને એક મારવાડી શખ્સે ભેગા મળી કરશનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

આરોપીઓએ આધેડને જીવતા સળગાવ્યા

હુમલાખોરોથી બચવા માટે કરશનભાઈ જીવ બચાવીને બાથરૂમમાં ભરાઈ ગયા હતા. જોકે, ચારેય આરોપીઓએ પીછો છોડ્યો ન હતો. તેઓએ બાથરૂમમાં જઈ કરશનભાઈ પર ડીઝલ રેડ્યું હતું, અને દીવાસળી ચાંપી તેમને જીવતા સળગાવી દીધા હતા. ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેય આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.