Kachchh Earthquake News: કચ્છમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ફાળ પડી છે. આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે જ્યારે સમગ્ર પંથક નિદ્રાધીન હતો, ત્યારે રાપર અને વાગડ વિસ્તારમાં 4.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આંચકો એટલો જોરદાર હતો કે લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને ગભરાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે.
સાત કલાકમાં ત્રણ વખત આંચકા અનુભવાયા
કચ્છના રાપરમાં છેલ્લા સાત કલાકમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં પહેલો આંચકો વહેલી સવારે 4.30 કલાકે 4.4 તીવ્રતાનો, બીજો આંચકો 9 વાગ્યે 2.5 તીવ્રતાનો અને ત્રીજો આંચકો 11.30 કલાકે 3 તીવ્રતાનો અનુભવાયો હતો.
An earthquake of magnitude 4.4 occurred in Kachchh, Gujarat, at 4.30 IST today: National Centre for Seismology pic.twitter.com/0Jb7nU5ogI
સંશોધનનો ચોંકાવનારો અહેવાલ
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અને હિમાચલ પ્રદેશની મહારાજા અગ્રસેન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં કચ્છની ભૂસ્તરીય સ્થિતિ અંગે મહત્વના ખુલાસા થયા છે. 2001ના વિનાશક ભૂકંપની 25મી વર્ષગાંઠ પૂર્વે આવેલા આ અહેવાલ મુજબ, કચ્છમાં વર્ષ 2008 થી 2024 દરમિયાન 1,300થી વધુ ભૂકંપ નોંધાયા છે. આનો અર્થ એ થયો કે આ પ્રદેશમાં દર વર્ષે સરેરાશ 81 જેટલા ભૂકંપના આંચકા અનુભવાય છે.
શા માટે વારંવાર ધ્રુજે છે કચ્છ?
અભ્યાસ મુજબ, ગુજરાતની નીચે અનેક 'ફોલ્ટ લાઇનો' (ભૂસ્તરીય તિરાડો) આવેલી છે જે એકબીજા સાથે સતત ક્રિયાપ્રતિક્રિયા કરે છે. કચ્છ રિફ્ટ બેસિન તરીકે ઓળખાતો આ પ્રદેશ ભૂસ્તરીય રીતે અત્યંત સક્રિય છે. અહીં મુખ્યત્વે ચાર ફોલ્ટ લાઇનો સક્રિય છે:
1). કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ
2). દક્ષિણ વાગડ ફોલ્ટ
3). અલ્લાહ બુંદ ફોલ્ટ
4). ગેડી ફોલ્ટ
આ ફોલ્ટ સિસ્ટમ્સ વચ્ચે થતી હિલચાલને કારણે પૃથ્વીના પોપડામાં સતત દબાણ જમા થાય છે, જે સમયાંતરે ભૂકંપ સ્વરૂપે બહાર આવે છે. ઇતિહાસ પર નજર કરીએ તો, 1819માં અલ્લાહ બુંદમાં 7.8ની અને 2001માં 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ આ જ ફોલ્ટ લાઇનોને કારણે આવ્યા હતા.
ભવિષ્ય માટે ચેતવણી
સંશોધકોનું માનવું છે કે મર્યાદિત વિસ્તારમાં બહુવિધ ફોલ્ટ લાઇન્સની હાજરીને કારણે કચ્છ ભવિષ્યમાં પણ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ રહેશે. ૫૬ કાયમી અને 20 કામચલાઉ ભૂકંપ મથકો પરથી મેળવેલા ડેટાના આધારે તૈયાર કરાયેલ આ રિપોર્ટ સૂચવે છે કે કચ્છમાં જટિલ ભૂસ્તરીય દબાણ સતત જળવાઈ રહે છે, જે વારંવાર ધ્રુજારી માટે જવાબદાર છે. વહેલી સવારના આ આંચકાએ 2001ની યાદો તાજી કરી દેતા લોકોમાં લાંબા સમય સુધી ભયનો માહોલ જોવા મળ્યો હતો.
