Bhuj News: મોડી રાત્રે કચ્છની ધરા ધ્રુજી, 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો, કેન્દ્રબિન્દુ ભચાઉથી 14 કિ.મી. દૂર

રાત્રે 1.59 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીન સપાટીથી આશરે 27 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 24 May 2026 01:06 PM (IST)Updated: Sun, 24 May 2026 01:29 PM (IST)
bhuj-news-3-magnitude-earthquake-jolts-kutch-late-at-night

Bhuj News: કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં ગત મોડી રાત્રે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા ધરાવતા આ કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપનો આ આંચકો રાત્રે 1.59 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીન સપાટીથી આશરે 27 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. ભૂંકપનો આંચકાથી અનુભવાયેલા કંપનથી લોકોમાં સામાન્ય ગભરાટ ફેલાયો હતો. ભૂંકપના આંચકાથી કોઇ નુકસાન ન પહોંચ્યુ હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં એવી ટેક્ટોનિક પ્લેટ્સ આવેલી છે કે જેના કારણે આ પ્રદેશમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. કચ્છ પ્રદેશ ભૌગોલિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ સિસ્મિક ઝોનમાં આવે છે. વર્ષ 2001 ના વિનાશક ભૂકંપ બાદ આ વિસ્તારમાં 10 થી વધુ સક્રિય ફોલ્ટ લાઇનો કાર્યરત છે. ભચાઉ અને રાપરનો વિસ્તાર ખાસ કરીને 'સાઉથ વાગડ ફોલ્ટ લાઇન' પર સ્થિત છે.

આ ફોલ્ટ લાઇન લાંબા સમયથી સક્રિય હોવાને કારણે અહીં સમયાંતરે હળવી તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાતા રહે છે. આ પ્રકારના નાના આંચકા જમીનની અંદર રહેલી ઊર્જાને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે અને તંત્ર દ્વારા આંકડાકીય વિગતોનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.

મે મહિનાની શરૂઆતમાં પણ ભચાઉની આસપાસ ભૂંકપના આચકા અનુભવાયા હતા. આજે નોંધાયેલા ભૂંકપના આચકા પહેલા 4 મે 2026ના રોજ મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ 3.1ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિન્દુ ભચાઉથી 6 કિમી પૂર્વ-ઉત્તર-પૂર્વમાં 20.5 કિમીની ઊંડાઈએ સ્થિત હતું. એ પહેલા 1 મે 2026ના રોજ આ જ વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.