Pakistani citizen caught: કચ્છ જિલ્લાના ખાવડા નજીક ઘુસણખોરીનો પ્રયાસ કરતા એક પાકિસ્તાની નાગરિક પકડાયો છે. ભારત-પાકિસ્તાન સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના સંદીપ બોર્ડર આઉટ પોસ્ટ (BOP) નજીક બોર્ડર પિલર નંબર 1076 અને 1077 વચ્ચે બની હતી.
ઘૂષણખોરી કરતો 50 વર્ષીય પાકિસ્તાની નાગરિક
ખાવડા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર, BSF પેટ્રોલિંગ ટીમે 23મી તારીખે સવારે લગભગ 8:30 વાગ્યે શંકાસ્પદ હિલચાલ જોઈ અને તે વ્યક્તિને પકડી લીધો. અટકાયત કરાયેલ વ્યક્તિ આશરે 50 વર્ષનો છે. BSF દ્વારા પ્રારંભિક તપાસ દરમિયાન તેની પાસેથી કોઈ ગુનાહિત સામગ્રી મળી આવી ન હતી.
BSF જવાનોએ ખાવડા પોલીસને સોંપ્યો
પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ BSF જવાનોએ પાકિસ્તાની નાગરિકને આગળની કાનૂની કાર્યવાહી માટે ખાવડા પોલીસને સોંપ્યો છે. આ મામલે પોલીસે FIR નોંધી અને બાદમાં પાકિસ્તાની નાગરિકને વિગતવાર પૂછપરછ અને તપાસ માટે સંયુક્ત પૂછપરછ કેન્દ્ર (JIC) ખાતે મોકલ્યો છે.
આ પણ વાંચો: અદાણી ફાઉન્ડેશન દ્વારા નાની ખાખરને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ કરાયું
માનસિક અસ્વસ્થ હોવાનું પ્રાથમિક તારણ
ખાવડા પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ વ્યક્તિની ઓળખ, નામ અને સરનામું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે જણાવ્યું હતું કે તે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે. તે પ્રશ્નોને યોગ્ય રીતે સમજી શકતો ન હતો કે વાતચીત કરી શકતો ન હતો.
