Navneet Baladhiya Case: ભાવનગર પંથકમાં તાજેતરમાં કોળી સમાજના નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી છે. આ ઘટના બાદ કોળી અને ઠાકોર સમાજ જે રીતે એકતા દર્શાવી ન્યાયની લડાઈમાં જોડાયા છે, તે બદલ પીડિત યુવકે તમામ સમાજ અને મીડિયાનો આભાર માનતા આગળની રણનીતિ સ્પષ્ટ કરી છે.
સમાજની એકતા અને સરકારનો આભાર
નવનીત બાલધિયાએ મીડિયા સમક્ષ ભાવુક થઈને જણાવ્યું હતું કે, "મારી ઉપર જે ઘટના ઘટી એ બદલ કોળી અને ઠાકોર સમાજ જે રીતે એક થયો છે તે જોઈને હું સૌનો આભારી છું. આપણા ધારાસભ્યો, સાંસદો અને વડીલોએ જે રીતે સાથ-સહકાર આપી ન્યાયની દિશામાં અમને માર્ગદર્શન આપ્યું છે તેનાથી સરકાર પણ જાગી છે." તેણે ભાવનગરની લીગલ ટીમ અને સોશિયલ મીડિયાના મિત્રોનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
‘છેતરીને લઈ ગયા, બાકી મોરે મોરો આવે તો ખબર પડે’
પોતાની ઉપર થયેલા હુમલા અંગે આક્રોશ વ્યક્ત કરતા યુવકે કહ્યું કે, "હું કોળીનો દીકરો છું, અને એક કોળીના દીકરાને મારવા માટે આ લોકોએ આઠ-આઠ દાડિયા (ગુંડાઓ) કરવા પડ્યા અને એ પણ છેતરીને લઈ જવો પડ્યો. જો મોરે મોરો (સામે સામે) આવે તો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ."
બગદાણામાં 'ન્યાય સભા'ની ચીમકી
પીડિત યુવકે પોલીસ તંત્ર અને સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે માત્ર મારા એકના કિસ્સામાં જ નહીં, પરંતુ મારા વિસ્તારના અન્ય જે પણ પીડિતો છે તેમને પણ ન્યાય મળવો જોઈએ. તેણે ચેતવણી આપતા કહ્યું કે, જો અન્ય પીડિતોને ન્યાય નહીં મળે, તો આગામી સમયમાં બગદાણા ખાતે ભવ્ય 'ન્યાય સભા' અને સંમેલન યોજવામાં આવશે. આ લડાઈ માત્ર ભાવનગર પૂરતી સીમિત નહીં રહે, જરૂર પડશે તો આખા ગુજરાત અને ઓલ ઇન્ડિયાના કોળી સમાજને એકઠા કરવામાં આવશે.
અન્ય પીડિતોને પણ અપીલ
યુવકે અન્ય પીડિતોને પણ હિંમત આપતા કહ્યું કે, જે લોકો અન્યાયનો ભોગ બન્યા છે તેઓ આગળ આવે અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરે. તેણે સ્પષ્ટ કર્યું કે સમાજ ભલે ગમે તે હોય, જો વ્યક્તિ સાચો છે તો તેને ન્યાય મળવો જ જોઈએ.
આ ઘટનાએ ભાવનગર અને આસપાસના પંથકમાં સામાજિક એકતાની નવી લહેર જગાડી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર અન્ય પીડિતોની રજૂઆતો પર કેવા પ્રકારના પગલાં ભરે છે અને બગદાણામાં સૂચિત સંમેલન અંગે સરકાર શું વલણ અપનાવે છે.
