Bhavnagar News: સાડા ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર નજીકના બુધેલ ગામે, આરોપીની માતાને ભગાડી જનાર શખ્સ પર આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ અંગે વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. ભાવનગરની અદાલતમાં આ કેસ ચાલી જતાં, અદાલતે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે, સામાપક્ષે થયેલી મારામારીમાં સંડોવાયેલી એક મહિલા આરોપીને પણ અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, ફરિયાદી નીતાબેન બુધાભાઈ મેરના મૃતક ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણાએ, આરોપી કાનાભાઈ પોપટભાઈ રાઠોડના માતા ગીતાબેનને પાંચ વર્ષ પૂર્વે એક દિવસ માટે ભગાડી ગયા હતા. જેની દાઝ રાખી, આરોપી કાનાભાઈ ફરિયાદીના ઘરે આવી ફરિયાદી તથા મૃતકને ગાળો આપી, તેમના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણાને છાતીમાં છરીના બે ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈનું મોત નીપજતાં, આ મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં ગત 20/7/2022ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપી કાનાભાઈ પોપટભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મુલીયાની અદાલતમાં આ કેસની સુનાવણી ચાલી જતાં, અદાલતે ભાવનગરના જીરલ્લા સરકારી વકીલ મનોજભાઈ જોષીની અસરકારક દલીલો, આધાર-પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખી, આરોપી કાનાભાઈ પોપટભાઈ રાઠોડ સામે ભારતીય દંડ સંહિતા (ઈ.પી.કો.) કલમ ૩૦૨ હેઠળનો ગુનો સાબિત માન્યો હતો. અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા. 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
બીજી તરફ, સામાપક્ષે થયેલી મારામારીમાં મૃતક કાળુભાઈ, તેમના બહેન આરોપી નીતાબેન અને નીતાબેનના સાસુ આરોપી કમુબેન વિરુદ્ધ પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ પણ આજે ચાલી જતાં, ભાવનગરના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મુલીયાએ સરકારી વકીલ મિતેષ મહેતાની દલીલો, આધાર-પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને રાખી, આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતાબેનને બે વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.
