Bhavnagar News: ભાવનગરમાં રહેતા ખાનગી કંપનીના ફિલ્ડ ઓફિસરે સ્ટોક માર્કેટમાં ઉંચા વળતરની લાલચમાં ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કર હતી. 15 દિવસના ટૂંકાગાળામાં કટકે-કટકે રૂ.એક કરોડથી વધુની રકમ જમા કરાવ્યા બાદ ગૃપ એડમિન તથા સ્ટાફે મુળ રકમ તથા નફો ઉપાડવા ન દેતાં યુવકને પોતાની સાથે ઠગાઈ થયાનું ભાન થયું હતું. યુવકે અજાણ્યા મોબાઈલધારક તથા એપ્લિકેશનના સંચાલકો સામે 1 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
મૂળ સુરતના વતની અને શહેરના તળાજા રોડ, ટોપ-3 સર્કલ નજીક આવેલ ઈશાવાસ્યમમા રહેતા અને ખાનગી કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે નોકરી ફરજ બજાવતા અજયભાઈ જસવંતભાઈ પટેલના મોબાઈલના વોટ્સએપ એકાઉન્ટમાં ગત તા.13 ફેબુ્રઆરી ના રોજ અજાણ્યા વ્યક્તિએ મેસેજ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી 30થી 50 ટકા નફો થશે તેવું જણાવ્યું હતું અને એક લિંક મોકલી હતી. આ લિંક મારફત તેઓ અ-11 ઇન્વેસ્ટમેન્ટ એક્સચેન્જ ગૃપમાં જોડાયા હતા, જેમાં ગૃપ એડમિન તરીકે રોહિત શર્મા નામથી ચાર મોબાઈલ નંબર હતા. એક મહિના સુધી અજયભાઈએ શેર માર્કેટ અંગે ગૃપમાં મુકાતી ટીપ્સ અંગે અભ્યાસ કર્યાં બાદ ગૃપની લિંક દ્વારા તેમણે પોતાનું ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
ક્રિએશન ઇન વી.જી. એપ્લિકેશન ડાઉનલોડ કરવી હતી. જયાં એપ.મારફતે દિવ્યા ભટ્ટ નામની વ્યક્તિએ કસ્ટમર સવસ મેનેજર તરીકે ઓળખ આપી અજભાઈ પાસેથી તા.17 માર્ચથી 09 એપ્રિલ,2025 સુધીમાં અલગ-અલગ બેંક ખાતામાં 24 જેટલા ટ્રાન્ઝેક્શન મારફત રૂ.1,01,40,000 ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં એપ્લિકેશનના ડિમેટ એકાઉન્ટમાં ટોટલ પ્રોફિટ સાથે આ રકમ વધીને ઓનલાઈન રૂ.4,96,53,278 દર્શાવતી હતી.
આ જમા રકમ પૈકી રૂ.બે કરોડ ઉપાડવા માટે અજયભાઈએ રિકવેસ્ટ નાંખતાં દિવ્યા ભટ્ટે રૂ.20 લાખ ટેક્સ ભરવો પડશે તેમ જણાવી ટેક્સ ભરવાનો આગ્રહ રાખ્યો હતો. જેથી અજય પટેલે પોતાના નફાની જે રકમ જમા હતી તેમાંથી ટેક્સ કાપી લેવા અને બાકીની રકમ પરત કરવા અંગે જણાવ્યું હતું. એપના એડમિન સહિતના અજાણ્યા શખ્સો દ્વારા તેને આજદિન સુધી નફાની રકમ ઉપાડવા નહીં દેતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. યુવકે ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ઓનલાઈન એપ્લિકેશન થકી સ્ટોક માર્કેટમાં રૂ.1.10 કરોડનું રોકાણ કરાવ્યું હતું અને રોકાણ કે નફો નહીં આપીને ઠગાઈ આચરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આઈટી એક્ટની કલમ સહિતની કલંમ અન્વયે ગુનો નોંધ્યો હતો.
યુવકે સગા, મિત્રો પાસેથી રૂા. 72 લાખ લીધા હતા
સ્ટોક માક્રેટમાં તગડો નફો મળશે તેવી લાલચમાં આવી જઈને અજયભાઈ પટેલે એપ્લિકેશન મારફત રોકાણ કરેલ રૂ.1,01,40,000 પૈકી રૂ.29,20,000 પોતાની અંગત રકમ ઉપરાંત શેરબજારમાં રોકાણ કરવાથી લાભ થશે તેમ જણાવી તેમના મિત્રો અને સગા મળી 12 વ્યક્તિ પાસેથી રૂ.72,20,000 લીધા હતા અને પોતાના બેંક ખાતામાં રકમ મેળવી શેરબજારમાં રોકાણ કર્યું હતું.
