Bhavnagar News: ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે કુલ રુ.95.53 લાખની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાજના પિત-પુત્રે મોલમાંથી સસ્તા ભાવે માલ ખરીદીને ઊંચા નફે વેચવાની લાલચ આપીને ઠગાઈ આચરી છે. આ મામલે પીડિત યુવતીએ ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.
વિશ્વાસ કેળવીને પડાવ્યા કરોડો રૂપિયા
ફરિયાદ અનુસાર, નવાપરામાં રહેતા ગુલશનબેન હસનભાઈ શ્રીમાળીના પિતરાઈ ભાઈ યુનુસભાઈ સુલેમાનભાઈ શ્રીમાળી (રહે. જુહાપુરા, વેજલપુર, અમદાવાદ) એ ગુલશનબેનનો સંપર્ક કર્યો હતો.યુનુસે જણાવ્યું હતું કે, તે અમદાવાદમાં અનાજ-કરિયાણાનો મોલ ચલાવે છે અને તેની પાસે રિલાયન્સના વેરહાઉસમાંથી માલ ખરીદવાનું લાયસન્સ છે.
તેણે ગુલશનબેનને એવી લાલચ આપી હતી કેસ અમદાવાદમાં કેટલાક મોલ બંધ થઈ રહ્યા હોવાથી ત્યાંનો સામાન ખૂબ જ સસ્તા ભાવે મળી રહ્યો છે. જો આ માલ ખરીદીને ઊંચા ભાવે વેચવામાં આવે તો મોટો નફો થઈ શકે તેમ છે. આ બિઝનેસ માટે મોટા રોકાણની જરૂર હોવાનું કહી તેણે પૈસાની માંગણી કરી હતી. ભાઈના વિશ્વાસમાં આવીને ગુલશનબેને અલગ-અલગ તારીખે ટુકડે-ટુકડે કુલ 1,04,93,000 યુનુસના દીકરા પરવેઝના બેંક ખાતામાં, આંગળિયા મારફતે તેમજ રોકડા ચૂકવ્યા હતા.
પૈસા પાછા માંગતા મળી જાનથી મારી નાખવાની ધમકી
આ રોકાણ સામે પિતા-પુત્રએ ગુલશનબેનને માત્ર ₹9,40,000 પરત કર્યા હતા, જ્યારે બાકીના 95, 53 લાખ ઓળવી ગયા હતા. લાંબો સમય સુધી બાકીના પૈસા પરત ન મળતા ગુલશનબેન રુબરુ અમદાવાદ ખાતે તેમના ઘરે ઉઘરાણી કરવા માટે ગયા હતા.
પૈસા આપવાના બદલે પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા અને ગુલશનબેનને અશ્લિલ ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના દિકરાના પગ ભાંગીન નાખવાની ધમકી આપીને હાંકી કાઢ્યા હતા. પોતાની સાથે થયેલા આ વિશ્વાસઘાત અને ઠગાઈ અંગે અંતે ગુલશનબેને ભાવનગરના ગંગાજળિયા પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરૂદ્ધ વિધિવત ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
