Bhavnagar Suicide Case: ભાવનગર શહેરમાં પ્રેમીના ત્રાસથી એક મહિલાએ આપઘાત કર્યાની આઘાતજનક ઘટના સામે આવી છે, પ્રેમી સાથે છેલ્લા ચાર વર્ષથી એક પરીણિતા રહેતી હતી. પ્રેમી દ્વારા તેને ઘણીવાર માર મારીને શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હતો. પ્રેમીએ પરિણીતાને કટુ શબ્દો બોલી જતાં પરીણિતાને લાગી આવ્યું હતું. આથી મહિલાએ પિયરે જઈને ઝેરી દવા ગટગટાવીને જીવનો અંત આણી દિધો હતો.
બે સંતાનોની માતા પ્રેમી સાથે ભાગી
બનાવની વિગતો અનુસાર, ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી સ્વાસ્થ સોસાયટીમાં રહેતા લાભુબેન ચંદુભાઈ ચૌહાણ (ઉં.વ. ૪૯) એ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની મોટી દીકરી હિનાબેને ખેડૂતવાસમાં રહેતા સંજય ગુજરીયા સાથે 2009માં લગ્ન કર્યા હતા. આ લગ્નજીવન દરમિયાન તેમને 17 વર્ષની પુત્રી અને 14 વર્ષનો પુત્ર છે.
પરંતુ ચાર વર્ષ પહેલા પતિ સાથે સંબંધો સારા ન રહેતો હોવાથી હિનાને વિશાલ કંટારીયા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પરીણિતા તેના પતિ અને બે સંતાનોને છોડીને પ્રેમી સાથે રહેવા જતી રહી હતી. પરીણિતાની માતાએ સમજાવટ કરીને તેને સાસરીમાં પરત મોકલી પરંતુ દર વખતે તે પ્રેમી પાસે જતી રહેતી હતી.
પ્રેમી પરીણિતા સાથે મારકૂટ કરતો
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, પહેલા બંને વચ્ચે સારો સંબંધ ચાલ્યો. પછી પ્રેમી વિશાલ છેલ્લા એક વર્ષથી પરીણિતા હિનાને દારુ પીને મારકૂટ કરતો હતો. તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દિધું હતું. સતત માર અને પીડાથી પરીણિતા અંદરથી તૂટી ગઈ હતી.
કંટાળેલી પરીણિતાએ ઝેરી દવા પીધી
પ્રેમીએ આપેલા અતિશય ત્રાસથી કંટાળેલી પરીણિતા 20 એપ્રિલે સવારે પિયરે ગઈ હતી. જ્યાં તેણે ઝેરી દવા પી લીધી હતી. પરીણિતા હિનાની આવી ગંભીર પરિસ્થિતિ જોઈને તેના પરિજનો તાત્કાલિક સર.ટી હોસ્પિટલે દાખલ કરી દિધી હતી. પરંતુ છેલ્લા બે દિવસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ આખરે 22 એપ્રિલના રોજ મહિલાનું કરુણ મોત થયું હતું.
દિકરીના મોતને પગલે માતા લાભુબેને ઘોઘારોડ પોલીસ મથકે આરોપી વિશાલ કંટારિયા સામે વિશાલ સામે આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો લગાવીને જેલ પાછળ ધકેલી દેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
